
(પીટીઆઇ) રાંચી, તા. 27 મે, 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીમાં બિહાર અને ઝારખંડમાં મળેલી ભુંડી હારનો આઘાત સહન નહીં કરી શકતા રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે હોસ્પિટલમાં બે દિવસ સુધી ખાવાનું છોડી દીધું હતું. તેમના આરોગ્યને લઇને ચિંતિત ડોકટરોએ તેમને સમજાવતા રવિવાર ૨૬ મેના રોજ તેમણે ભોજન લીધું હતું.
તેમની સારવાર કરી રહેલા ડોકટરોએ રાજદના પ્રમુખને કહ્યું હતું કે તમારા આરોગ્ય માટે ભોજન જરૂરી છે. લાલુ પ્રસાદની બલ્ડ પ્રેશર, સુગર અને કિડનીની બિમારીનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચારના કેસમાં સજા થયા પછી તેમને ડીસેમ્બર ૨૦૧૭થી રાંચીની રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસમાં દાખલ કરાયા હતા. રાજદના નેતા એ વાત માની જ ના શક્યા કે એક સમયે બિહારમાં રાજ કરનાર તેમના પક્ષને બિહાર તેમજ ઝારખંડમાં એક પણ બેઠક મળી નથી.
ડોકટરોએ કહ્યું હતું કે લાલુ પ્રસાદનું આરોગ્ય સામાન્ય છે. ૧૯૯૭માં રાજદની સ્થાપના બાદથી આ પહેલો જ પ્રસંગ છે કે જ્યારે તેમના પક્ષને લોકસભાની એક પણ બેઠક મળી નથી. ઉપરાંત સતત બીજી વખતે પણ ઝારખંડમાં શુન્ય સ્કોર રહ્યો હતો.
બિહારમાં મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા રાજદએ ૧૯ બેઠકો લડી હતી અને આરાહ બેઠક ડાબેરીઓને આપી હતી. ત્યાં પણ તેની હાર થઇ હતી. લાલુ પ્રસાદની સૌથી મોટી પુત્રી મિસા લાલુ પ્રસાદના એક સમયના ગાઢ સાથી રામ કૃપાલ યાદવ સામે પાટલીપુત્ર બેઠક પર થી હારી ગઇ હતી.લાલુ પ્રસાદ જ્યાથી વર્ષો સુધી ચૂંટાતા હતા તે સારણની બેઠક પરથી તેમના વેવાઇ અને તેજ પ્રતાપના સસરા ચંદ્રીકા રાય પણ હારી ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kghk2L
via Latest Gujarati News
0 Comments