
મુંબઇ, તા.30 એપ્રિલ 2019, મંગળવાર
બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો 'સોલ્જર' બોબી દેઓલ લાંબા સમય સુધી ફિલ્મોમાં દેખાયો નહોતો. સલમાને પોતાની બિગ બજેટ ફિલ્મ 'રેસ ૩'માં તેને તક આપી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાણી.જોકે બોબી આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પુનરાગમન કરી શક્યો.
ફિલ્મ 'રેસ ૩' દરમિયાન સલમાને ઘોષણા કરી હતી કે તે આ ફિલ્મ બાદ બોબી દેઓલને લઇને એક એકશન થ્રિલર ફિલ્મ બનાવશે. જેના માટે બોબીએ પોતાના શરીરને વધુ કદાવર કરવું પડશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવા કરવાનો હતો. પરંતુ બોબીની ફિલ્મ શરૂ થવાના કોઇ અણસાર દેખાતા નથી.
'રેસ ૩'ની રિલીઝને લાંબો સમય થઇ ગયો છે. પરંતુ બોબી સાથેની એકશન થ્રિલર ફિલ્મ અંગે કોઇ ચર્ચા નથી. સલમાન હાલ ફિલ્મ 'ભારત'માં વ્યસ્ત છે અને એ પછી 'દબંગ ૩'નું શૂટિંગ શરૂ કરશે.
જ્યારે પ્રભુદેવા પોતાની ડાન્સિંગ ફિલ્મ પુરી કરીને 'દબંગ ૩'ના દિગ્દર્શનમાં વ્યસ્ત થઇ જશે. કહેવાય છે કે બોબી દેઓલને લઇને બનનારી એકશન થ્રિલર ફિલ્મ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. બોલીવૂડના સૂત્રોનું માનવું છે કે, બોબીની આગામી ફિલ્મ 'રેસ ૩'ના કારણે નહી બને.
ફિલ્મ 'રેસ ૩' થી નિર્માતાઓને ઘણી આશા હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતા બોબીને લઇને બનનારી ફિલ્મની યોજના પર વિચાર નથી થઇ રહ્યો. જોકે સલમાન તેમજ પ્રભુદેવાએ બોબીની ફિલ્મ અંગે કોઇ ઉલ્લેખ કર્યો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LcOO3W
via Latest Gujarati News
0 Comments