
- માથે રૂા.૫૫ હજાર કરોડનો ઋણ બોજ લઈને ફરતી એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટોમાં ૧૫૦૦ સીટ તૂટેલી
મુંબઈ,તા. 16 મે 2019, ગુરુવાર
એર ઈન્ડિયા (એ.આઈ.)ની ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ઉપયોગમાં લેવાતાં વિમાનોની લગભગ ૧૫૦૦ તૂટેલી અને બિનઉપયોગી સીટો ઉતારુઓને ફાળવી ન શકાતાં આ એર લાઈનને છેલ્લા ત્રણ માસમાં અંદાજે રૂા.ત્રણ કરોડનું નુકસાન થયું હતું.
એઆઈએ આપેલી માહિતી મુજબ મોટા ભાગની આવી તૂટેલી સીટો ભારતથી અમેરિકા માટેની ફ્લાઈટ માટે ઉપયોગમાં લેવાતાં બોઈંગ ૭૭૭ પ્રકારનાં વિમાનોમાં છે. ફેબુ્રઆરીથી એપ્રિલ દરમિયાન તૂટેલી સીટો ઉતારુઓને ફાળવવામાં આવતી ન હતી અને ખાલી રખાતી હતી.
એર ઈન્ડિયા પાસે આ અગાઉના સમયમાં ખાલી રહેલી સીટો વિશેની માહિતી ઉપલબ્ધ નથી. એર લાઈનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પહેલી મેથી શરૂ કરાયેલા નવા પોર્ટલનો ઉપયોગ કરીને તૂટેલી સીટો વિશેની માહિતી એકત્રીત કરવામાં આવી હતી. આ માહિતી એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિ.ના કર્મચારીઓને જણાવાઈ છે અને તેઓ અગ્રતાને ધોરણે આ સીટોનું સમારકામ કરશે.
અગાઉ બિનઉપયોગી સીટોની યાદી કર્મચારી જાતે તૈયાર કરતા અને આગળ ઉપરની કાર્યવાહી માટે અમારા વરિષ્ઠ અધિકારીઓને ઈમેલ દ્વારા આ યાદી મોકલવામાં આવતી હતી. પરંતુ આ કાર્યવાહીમાં સમય વધુ લાગતો હતો. પરંતુ આ નવું પોર્ટલ વધુ સગવડિયું છે કારણકે તેના દ્વારા ઘણી ઝડપથી તૂટેલી સીટો ઓળખી કઢાય છે અને ઉતારુને ફાળવાય તે પહેલાં તેનું સમારકામ કરી શકાય છે. એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.
એર ઈન્ડિયાની ફ્લાઈટો ૪૧ વિદેશી વિમાન મથકોએ જાય છે અને તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોમાં તેને આર્થિક નુકસાન થાય છે. તેને માથે રૂા.૫૫ હજાર કરોડનું ઋણ (દેવું)છે. સરકારે જણાવ્યું છે કે વ્યૂહાત્મક વિનિવેશ (ખાનગીકરણ) દ્વારા આ ઋણ ચૂકવી દેવાશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q9mCxD
via Latest Gujarati News
0 Comments