નિવૃત્ત દં૫તીનો જ્ઞાાન-ગમ્મતની વાતોથી બાળ સાહિત્યને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

દાદા આવ્યા દાદી આવ્યા..શું શું લાવ્યા ??શું શું લાવ્યા ?? જ્ઞાાન અને ગમ્મતને લાવ્યા, ચિત્રકળા અને રમત લાવ્યા.. પુસ્તકની પરબ લાવ્યા અને સંસ્કૃતિનો વારસો લાવ્યા.... આ ગીત લલકારતા અને નાકની ડાંડલી પાસે ચશ્મા અને હાથમાં લાકડી લઇને પરિમલ ગાર્ડનમાં બાળકોના ટોળાનું આકર્ષણનું કેન્દ્ર બનેલા ૬૭ વર્ષના નિહારિકાબેન આચાર્ય અને તેમના પતિ વિપુલભાઇ આચાર્ય છેલ્લા સાડા ત્રણ વર્ષથી બાળ સાહિત્ય માટે અનોખું કાર્ય કરી રહ્યા છે. ગુલબાઇ ટેકરા પોસ્ટ ઓફિસ ખાતે રહેતા વિપુલભાઇ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર હતા જ્યારે નિહારિકાબેન મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ૨૫ વર્ષ સુધી ટિચર તરીકેની ફરજ બજાવી છે આજે તેઓ નિવૃત છેે. જ્યારે તેઓએ સમાચાર પત્રમાં પહેલી વખત માતૃભાષા અભિયાન દ્વારા શરૃ થયેલા દાદા-દાદીના ઓટલા અંગે વાંચ્યું ત્યારથી તેઓએ બાળકો માટે જે કોઇ ન કરતું હોય તેવું કંઇક કરવાનું વિચાર્યું. 

પૌત્ર રેયાંશ US ગયો ત્યારથી તમામ બાળકોના દાદા-દાદી બનવાનું વિચાર્યું 

નિહારિકાબહેને કહ્યું કે અમે નાનપણથી જ દીકરી મોસીકી અને દિકરા દેવમમાં આપણી ગુજરાતી સંસ્કૃતિના બીજ રોપ્યા હતા અને જ્યારે પૌત્ર રેયાંશનો જન્મ થયો ત્યારે અમે નિવૃત હતા. મોસીકી સવારે ૯ વાગ્યે જોબ પર જતી ત્યારે રેયાંશને અમારા ત્યાં મૂકી જતી હું અને તેના દાદા તેને નિયમિત રીતે જોડકણાં, બાળવાર્તા કહેતા આ સાથે તેના દાદા ઘોડો બનતા અને આખા ઘરમાં રમતા તે દોઢ વર્ષનો હતો અને તેઓ અમેરિકા શિફ્ટ થયા. પરંતુ રેયાંશ ત્યાંથી નિયમિત રીતે વિડીયોકોલમાં અમારી પાસેથી વાર્તા સાંભળતો. અમેરિકામાં પણ તે નાગદમનની આખી કવિતા કડકડાટ બોલી જતો. તે જતો રહ્યો તેથી અમે એકલા પડયા હવે કોઇ અમને દાદા-દાદી કહે તેવું રહ્યું નહી તો અમે વિચાર્યું કે આપણે બધાજ બાળકોના દાદા-દાદી બનીયે.

ચીકી અને મમરાના લાડુ આપતા બાળકો વેફર અને કુરકુરેના પડીકા બાજુ પર મૂકી દે છે

માતા-પિતાનો પ્રશ્ન હોય છે કે બાળકો જંકફુડ બહુ ખાય છે પરંતુ અમે જોયું છે કે અમે જ્યારે બાળકોના હાથમાં સીંગ અને તલની ચીકી, મમરાના લાડુ ખાવા માટે આપ્યા ત્યારે તેઓએ તેમના હાથમાં રહેલા વેફરના પડીકા બાજુ પર મૂકી દીધા. ઘણા નાના બાળકો મમરાના લાડુ જોઇને અચરજ પામે છે કે આ શું? તેના માટે માતા-પિતા જવાબદાર છે. જ્યારે બાળકો તમને પજવે કે રડે તો તેમને જંકફૂડના પેકેટ અને મોબાઇલ આપવાને બદલે ઘરનું બનાવેલું અને મોબાઇલની જગ્યાએ પોતાના બાળપણના કિસ્સા સંભળાવવા જોઇએ. - વિપુલભાઇ આચાર્ય

નાગોલચુ, સંતાકૂકડી, આંધળી ખિસકોલી જેવી પારંપરિક રમતો રમાડીએ છીએ

અમારી જનરેશનથી લઇને છેલ્લા ત્રણ એક દાયકા પહેલા ડોકિયું કરી તો વેકેશનમાં બાળકો કિલ્લોલ કરતા તેની સાથે સંતાકૂકડી, નાગોલચુ, આઇસપાઇસ, લંગડી,  ઊભી-બેઠી ખો-ખો, આંધળી ખિસકોલી, થપ્પો, નદી-પર્વત, પત્તા, સાપસીડી, સંગીતખુરશી, ભમરડા, દોડ, આંબલી-પિપળી, સાતોલીયું અને ગીલી-ડંડો જેવી રમતો રમતા હતા આજે આ બધી રમતોનું સ્થાન મોબાઇલની નાની સ્ક્રિને લીધું છે જેનાથી બાળકનો શારીરિક શ્રમ ઘટયો છે તે માટે અમે આપણી જૂની પારંપરિક રમતો બાળકોના દિલમાં જીવંત રહે તે માટે મહેનત કરીએ છીએ અને તેઓને આ દરેક રમત રમાડીએ છીએ.- નિહારિકાબેન આચાર્ય

5 વર્ષની શાબ્દિ 35 બાળવાર્તા અને કવિતા કહી સંભળાવે છે

શાબ્દિ દાદા-દાદીને મળવાનો એક પણ મોકો છોડતી નથી તેના પિતા પર્વ જોષી ડૉક્ટર છે. બાળકોમાં ગુજરાતી કલ્ચર, રમતો અને શારીરિક શ્રમ અને જૂના જમાનાની રસપ્રદ વાતો રેડાવી જોઇએ તેવું માનનાર પર્વ તેમની પાંચ વર્ષની દીકરી શાબ્દિને લઇને દર બીજા અને ચોથા રવિવારે મણિનગરથી પરિમલ ગાર્ડન આવે છે અને શાબ્દિની સાથે પોતે પણ રમે છે. શાબ્દિ ગાંધીજીના ત્રણ વાંદરાની વાતથી લઇને, દરેક તહેવારના ગીત, શિવાજી માટે માતાએ ગાયેલા હાલરડા, મીરાબાઇ, ચારણકન્યા, નાગદમન જેવી ૩૦થી ૩૫ બાળવાર્તા અને કવિતા કહી સંભળાવે છે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MiLCo5
via Latest Gujarati News

Post a Comment

0 Comments