મુંબઈ,તા. 29 મે, 2019, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નીચા ભાવથી ચમકારો બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં તેની અસર પણ ઝવેરી બજાર પર આજે દેખાઈ હતી. આયાત પડતર ઉંચી ગઈ હતી. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધી એક તબક્કે રૂ.૭૦ની સપાટીને આંબી ગયા હતા.
ડોલરના ભાવ રૂ.૬૯.૬૮ વાલા આજે રૂ.૬૯.૭૪ ખુલી નીચામાં ભાવ ૬૯.૭૨ થયા પછી ભાવ ઉછળી રૂ.૭૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૬૯.૮૩ હતા. ડોલરના ભાવ વધુ ૧૫ પૈસા વધ્યા હતા. જોકે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ શાંત હતા.બ્રિટીશ પાઉન્ડના ભાવ સાંજે રૂ.૮૮.૨૭થી ૮૮.૨૮ તથા યુરોના ભાવ રૂ.૭૭.૮૯થી ૭૭.૯૦ બોલાયા હતા.
શેરબજારમાં ઘટાડો આવતાં કરન્સી બજારમાં રૂપિયો નબળો પડયો હતો. જોકે વિશ્વ બજારમાં ડોલર ઉંચો જવાના પગલે વૈશ્વિક સોનાના ભાવ નીચા ઉતર્યા હતા તે ત્યારબાદ ઘટાડે ફંડોની માગ વધતાં સોનાના ભાવ ફરી વધી આવ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં જોકે ક્રૂડતેલના ભાવ આજે વધતા અટકી ઉંચા મથાળેથી અઢી થી ત્રણ ટકા તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૧૮ વાળા રૂ.૩૧૭૯૮ જ્યારે ૯૯.૯૦ના રૂ.૩૧૮૪૬ વાળા રૂ.૩૧૯૨૬ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભવા કિલોના ૯૯૯ના જીએસટી વગર જે નીચામાં રૂ.૩૬ હજારની અંદર ઉતરી ગયા હતા તે આજે ઉછળી રૂ.૩૬૦૨૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૬૦૫૦થી ૩૬૧૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૩૦૦ ઉંચા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ નીચા ભાવથી વધી ઔંશના ઉંચામાં ૧૨૮૭.૦૦ થઈ સાંજે ભાવ ૧૨૮૩.૯૦થી ૧૨૮૪ ડોલર હતા. જયારે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના જે નીચામાં ૧૪.૧૫થી ૧૪.૨૦ ડોલર થયા હતા તે વધી આજે ૧૪.૪૫ થઈ સાંજે ભાવ ૧૪.૪૦થી ૧૪.૪૧ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ તથા કરન્સી બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજાર ઉંચકાઈ હોવાનું જણાવ્યું હતું. અમેરિકાથી મળતા સમાચાર મુજબ ભારતના રૂપિયાને આ પૂર્વે અમેરિકાએ મોનીટરીંગ (ચકાસણી) હેઠળ રાખ્યો તે મોનીટરીંગની યાદીમાંથી આજે અમેરિકાએ ભારતના રૂપિયાને દૂર કર્યો છે. જ્યારે સામે ચીનની કરન્સી યુઆનને આવી ચકાસણી હેઠળ ચાલુ રાખવામાં આવી હોવાના સમાચાર હતા. આવા વોચ-સીસામાંથી અમેરિકાએ ભારત ઉપરાંત સ્વીત્ઝરલેન્ડની કરન્સીને દૂર કરી છે. વિશ્વ બજારમાં સાંજે પ્લેટીનમના ભાવ ઔંશના ૭૯૩.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૩૪૫.૦૦થી ૧૩૪૫.૧૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતા અટકી અઢીથી ત્રણ ટકા ગબડયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભવા જે ઉંચામાં બેરલના ૭૦ ડોલર ઉપર ગયા હતા તે આજે ઝડપી ઘટી સાંજે ભાવ ૬૮.૨૦થી ૬૮.૨૫ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ તૂટી આજે સાંજે ૫૭.૨૫થી ૫૭.૩૦ ડોલર રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WtRTAZ
via Latest Gujarati News
0 Comments