અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેરિટ આધારિત નવી ઇમિગ્રેશન નીતિની જાહેરાત કરી


અમેરિકામાં પ્રવેશ કરતા પહેલા અંગ્રેજી અને નાગરિકતા સાથે જોડાયેલી પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.17 મે, 2019, શુક્રવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેરિટ આધારિત નવી ઇમિગ્રેશન નીતિની જાહેરાત કરી છે. જેમાં વર્તમાન ગ્રીન કાર્ડનું સ્થાન 'બિલ્ડ અમેરિકા' વિઝા લેશે  અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલોનો ક્વોટા ૧૨ ટકાથી વધારી ૫૭ ટકા કરવામાં આવ્યો છે. 

ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી મેળવવા માગતા ભારતીય પ્રોફેશનલો માટે તકો વધવાની શક્યતા છે. જો કે નવી નીતિમાં દર વર્ષે જારી થતા ગ્રીન કાર્ડની સંખ્યામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ગઇકાલે વ્હાઇટ હાઉસમાં નવી ઇમિગ્રેશન નીતિની જાહેરાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારો આ પ્રસ્તાવ અમેરિકામાં રહેતા લોકો પ્રત્યે અમારા પવિત્ર કર્તવ્યને પૂરા કરવાની સાથે જ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે અમેરિકા ભવિષ્યમાં આવનારા લોકોનું સ્વાગત કરવાનું પણ ચાલુ રાખશે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્તમાન ઇમિગ્રેશન નીતિ વિશ્વના પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી હોવાથી અમે મેરિટ આધારિત નવી ઇમિગ્રેશન નીતિ રજૂ કરી રહ્યાં છીએ.

ટ્રમ્પે જણાવ્યું છે કે ભવિષ્યમાં અમેરિકા આવવા માગતા લોકોને અમેરિકામાં પ્રવેશ કરતા પહેલા અંગ્રેજી અને નાગરિકતા સાથે જોડાયેલી પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. તેનો ઉદ્દેશ દેશની અખંડતા અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. 

અમેરિકા દર વર્ષે ૧૧ લાખ ગ્રીન કાર્ડ જારી કરે છે. આ કાર્ડ મળવાથી અમેરિકામાં સ્થાયી રીતે વસવાની અને કાર્ય કરવાની મંજૂરી મળે છે. હાલમાં ગ્રીન કાર્ડ આપવામાં પારિવારિક સંબધોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જેના કારણે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકો આ કાર્ડથી વંચિત રહી જાય છે. 

કમલા હેરિસે ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિની ટીકા કરી 

ભારતીય મૂળના પ્રથમ સેનેટર કમલા હેરિસે ટ્રમ્પની નવી ઇમિગ્રેશનની ટીકા કરતા જણાવ્યું છે કે આ નવી નીતિ ટૂંકી દ્રષ્ટિવાળી છે. કેલિફોર્નિયાના ૫૪ વર્ષીય સેનેટરે એશિયન અમેરિકન લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નીતિમાં દુર્ધ દ્રષ્ટિ જોવા મળતી નથી. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસના માતા ભારતના છે જ્યારે પિતા જમૈકાના છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q6e3ne
via Latest Gujarati News

Post a Comment

0 Comments