રાહુલ, સોનિયા, પવાર યેચુરી સાથે ચંદ્રબાબુની બેઠકનો બીજો રાઉન્ડ


(પીટીઆઇ) નવીદિલ્હી, તા.19 મે, 2019, રવિવાર

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ લોકસભા ચૂંટણીના પરિણામ અગાઉ વિપક્ષોને એક મંચ પર આણવાના પ્રયાસો જારી રાખતા આજે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર અને સીતારામ યેચુરી સહિત અન્ય નેતાઓને પણ મળ્યા હતા. એમણે ગઇકાલે દિલ્હીમાં લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ સાથે, જ્યારે લખનૌમાં સપા નેતા અખિલેશ યાદવ, તથા બસપા અધ્યક્ષ માયાવતી સાથે ચર્ચા કરી હતી.

ચંદ્રાબાબુ નાયડુ રાહુલ ગાંધી તથા શરદ પવારને આજે સતત બીજા દિવસે મળ્યા હતા. એ પછી સાંજે સોનિયા ગાંધી સાથે ચર્ચા યોજી હતી. નાયડુએ સીપીઆઇ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરી સાથે પણ અલગ બેઠકનું આયોજન કર્યું હતું અને બધા વિપક્ષોના ગઠબંધનની શક્યતા વિષે ચર્ચા કરી હતી.ટીડીપી નેતાના આ પ્રયાસો ભાજપને સત્તાસ્થાનેથી દૂર રાખવા માટે બધા બિન એનડીએ પક્ષોને એકમંચ પર આણવા અને જોડાણ રચવા માટેના છે.

તા.૨૩ મેએ જાહેર થનારા લોકસભા ચૂંટણી પરિણામોમાં જો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે નહિ તો કોંગ્રેસ દ્વારા સરકાર રચવા માટેની પ્રક્રિયા અને વ્યૂહના વિશ્લેષણ માટે સોનિયા ગાંધીએ ગઇસાજે અગ્રણી કોંગ્રેસી નેતાઓ સાથે આંતરિક બેઠક યોજી હતી એ સંદર્ભે નાયડુની સોનિયા ગાંધી સાથેની ચર્ચા મહત્વપૂર્ણ બની રહી છે.

અગાઉ મળેલો સંદેશો જણાવે છે કે દિલ્હીથી લખનઉ પહોંચેલા નાયડુ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા બહુજન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતીને મળ્યા હતા.

લખનઉથી ફરી પાછા દિલ્હી આવેલા નાયડુએ રાહુલ ગાંધી, શરદ પવાર સાથે આજે ફરી બેઠક કરી હતી. આ બેઠક મહત્વપૂર્ણ ગણાય છે. નોંધનીય છે કે સપા અને બસપા, વિપક્ષી મોરચાની તરફેણમાં હજી ખુલ્લંખુલ્લા બહાર આવ્યા નથી.

ટીડીપી નેતાની ચર્ચા-વિચારણા એમના બિન-એનડીએ પક્ષોને એક કરવાના પ્રયત્નના ભાગરૂપ હતા, કે જેથી જો ચૂંટણીમાં એનડીએને બહુમતી મળે નહિ તો બિન ભાજપ પક્ષો એક થઇને કેન્દ્રમાં નવી સરકાર રચવાનો દાવો કરી શકે. તેલુ દેશમ પક્ષના નેતા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને પણ મળ્યા હતા.

ઉપરાંત, આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સીપીઆઇ (એમ) ના મહામંત્રી સીતારામ યોચુરી સાથે પણ વાટાઘાટો કરી હતી. નાયડુના ટીડીપી અગાઉ એનડીએનો ભાગ હતો જેણે થોડા મહિના પહેલા એનડીએ સાથે છેડો ફાડયો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ કેન્દ્રમાં આગામી સરકાર રચવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M9djjd
via Latest Gujarati News

Post a Comment

0 Comments