
ભોપાલ, તા.17 મે, 2019, શુક્રવાર
સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સે મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તે પછી વધુ એક ભાજપના નેતાએ ગાંધીજીને લઈને વાંધાજનક ટીપ્પણી કરી હતી. મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તાએ ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવતા હોબાળો થયો હતો.
મધ્યપ્રદેશ ભાજપમાં પ્રવક્તા અનિલ સૌમિત્રએ ફેસબુક પોસ્ટ લખીને ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અનિલે લખ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના. ભારતમાં તો તેમના જેવા અનેક સપુતો થયા છે.
આ નિવેદન મુદ્દે ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકોએ રાષ્ટ્રપિતા ગાંધીજી બાબતે આવી ટીપ્પણી કરવા બદલ અનિલ સૌમિત્રની ઝાટકણી કાઢી હતી.
વિવાદ પછી ભાજપ પણ બચાવની સ્થિતિમાં આવી ગયો હતો. ભાજપે તાત્કાલિક અસરથી અનિલ સૌમિત્રને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને સાત દિવસમાં જવાબ માગ્યો હતો. ભાજપે કહ્યું હતું કે આ નિવેદન તેની અંગત માન્યતા છે અને પક્ષ તેની સાથે સહમત નથી.
સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડ્સે બેબતે જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ગાંધીજી બાબતે વધુ એક નિવેદન આવતા ભાજપના નેતાઓની લોકોએ આકરી ઝાટકણી કાઢી હતી.
ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગાંધીજીની હત્યા કરનારા નથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને વિવાદ ખડો કર્યો હતો. તે પછી ભાજપે કહ્યું હતું કે એ નિવેદન સાધ્વીનું અંગત નિવેદન હતું. પક્ષે સાધ્વીને માફી માગવાનો આદેશ કર્યો હતો. હવે આ નવો વિવાદ ખડો થતાં ફરીથી વિવાદાસ્પદ નિવેદન કરનારા નેતાને નોટિસ પાઠવીને ખુલાસો પૂછાયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EhSMSS
via Latest Gujarati News
0 Comments