અમેરિકન કંપનીઓને વિદેશમાં બનેલા ટેલિકોમ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો આદેશ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.16 મે, 2019, ગુરૂવાર
રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરાનું કારણ આપીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને વિદેશમાં બનેલા ટેલિકોમ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે અમેરિકામાં ચીનની ટેલિકોમ ઉપકરણ બનાવતી વિશ્વની મોટી કંપની હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના આ નિર્ણયને કારણે બંને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ અંગેના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. જો કે આ આદેશમાં કોઇ દેશ કે કંપનીનું નામ લેવામાં આવ્યું નથી. જો કે અગાઉ અમેરિકાના અધિકારીઓ હુઆવેઇના ઉપકરણોને ખતરો બતાવી ચૂક્યા છે.
અમેરિકાએ દેશની કંપનીઓને નેક્સ્ટ જનરેશન ફાઇવજી નેટવર્કના સાધનો નહીં ખરીદવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનની હુઆવેઇ કંપની વિશ્વની સૌૈથી મોટી ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઇડર કંપની છે. આ આદેશને પગલે અમેરિકન ટેકનોલોજી ખરીદવા માટે પણ હુઆવેઇને અમેરિકન સરકારની મંજૂરી લેવી પડશે.
અમેરિકાના વાણિજય પ્રધાન વિલબુર રોસે એક નિવેદનમાં જણાવ્યું છે કે હુઆવેઇ ટેકનોલોજીસ કંપની લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓને એન્ટિટી લિસ્ટ(વેપાર સાથે સંકળાયેલા બ્લેક લિસ્ટ)માં સામેલ કરશે.ઉદ્યોગ અને સુરક્ષા બ્યૂરો આ યાદીમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ હિતોની વિરુદ્ધ કામ કરતા વિદેશી એકમોે જેવા કે વ્યકિત, કંપની, ઉદ્યોગ, શોધ, સંશોધન કે સરકારી સંગઠનને સામેલ કરવામાં આવે છે.
હુઆવેઇ પર પ્રતિબંધ પછી વળતો પ્રહાર કરવાની ચીનની ધમકી
ચાઇનીઝ કંપનીઓના હિતો અને અધિકારોની રક્ષા માટે જરૃરી પગલા ભરીશું : ચીન
ચીને હંમેશા પોતાની કંપનીઓને જે તે દેશના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે
(પીટીઆઇ) બેઇજિંગ, તા.16 મે, 2019, ગુરૂવાર
ટેલિકોમ ઉપકરણો બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની હુઆવેઇ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા પછી ચીને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ચીને જણાવ્યું છે કે તે પોતાની કંપનીઓના હિતો અને અધિકારોની રક્ષા માટે જરૃરી પગલા ભરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું છે કે અમે અમેરિકાના વાણિજય વિભાગના આદેશની સમીક્ષા કરી છે. ચીને હંમેશા પોતાની કંપનીઓને જે તે દેશના નિયમો અને કાયદાઓનું પાલન કરવા જણાવ્યું છે. લૂ એ જણાવ્યું છે કે અમે ઘરેલુ કાયદા અને ગતિવિધિઓને આધારે અન્ય દેશોના અયોગ્ય પ્રતિબંધનો વિરોધ કર્યો છે.
અમે અમેરિકાને અપીલ કરીએ છીએ કે તે આ પ્રકારની પ્રવૃત્તિઓે બંધ કરે. ઉલ્લેખનીય છે કે આયાત ડયુટીને લઇને અમેરિકા અને ચીન વચ્ચે અગાઉથી જ વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના તાજેતરના આ નિર્ણયથી બંને દેશો વચ્ચે પ્રવર્તમાન તંગદિલી વધશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YyWLSY
via Latest Gujarati News
0 Comments