
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 6 મે, 2019, સોમવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે શરુ થયેલો પરમાણુ કાર્યક્રમ બાબતોનો વિવાદ સતત વકરતો જાય છે. ઈરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઉપર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો તે પછી હવે અમેરિકાએ ઈરાનને દાબમાં રાખવા પશ્વિમ એશિયામાં એરસ્ટ્રાઈક ગુ્રપ તૈનાત કર્યું હતું.
અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન બોલ્ટને ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકાએ પશ્વિમ એશિયામાં એર સ્ટ્રાઈક ગુ્રપની તૈનાતીનો નિર્ણય કર્યો છે. કારણ કે અમેરિકાને ઈરાનમાંથી શંકાસ્પદ ગતિવિધિનો સંકેત મળ્યો હતો અને અમેરિકા ઉપરાંત મિત્ર રાષ્ટ્રોના હિતોનું રક્ષણ થાય તે માટે આ પગલું ભરવું પડયું હતું.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું હતું કે ઈરાન ગમે ત્યારે તેમના સાથી દેશો સામે ઘાતકી પગલું ભરી શકે તેમ છે. એ સંભવિત ભયને ખાળવા માટે અમેરિકાએ અબ્રાહમ લિંકન કેરિઅર સ્ટ્રાઈક ગુ્રપને તૈનાત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ ગુ્રપ જરૃર પડશે તો ઈરાનમાં બોમ્બવર્ષા કરશે એવું કહીને અમેરિકાએ ઉમેર્યું હતું કે રાજનૈતિક દબાણ માટે આ પગલું ખૂબ જરૃરી હતું એટલે ટ્રમ્પના આદેશ પ્રમાણે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાએ ઈરાનને એવો સ્પષ્ટ મેસેજ આપવા માગે છે કે જો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ થશે તો અમેરિકા તુરંત કાર્યવાહી કરશે.
અમેરિકન સુરક્ષા સલાહકારે એમ પણ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે યુદ્ધ કરવા નથી ઈચ્છતું. પરંતુ જવાબી કાર્યવાહી માટે અમેરિકા પાછી પાની નહીં કરે. અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ જણાવ્યું હતું કે અમેરિકાએ નાનકડું પગલું ભર્યું છે. જો ઈરાન આટલામાં નહીં સમજે તો મોટી કાર્યવાહી કરીશું.
પરમાણુ કાર્યક્રમો બાબતે અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. તે પછી અમેરિકાએ ભારત-ચીન-જાપાન સહિતના આઠ દેશોને ઈરાન પાસેથી પેટ્રોલિયમની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તે પછી બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી ચૂકી છે. બંને દેશો એક બીજાના લશ્કરને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/3002fYd
via Latest Gujarati News
0 Comments