આદિત્યના સ્ટીંગ સામે કંગનાના વકીલનો પલટવાર

મુંબઇ તા.18 મે 2019 શનિવાર

 કંગના રનૌત અને આદિત્ય પંચોલી વચ્ચેના ખટરાગમાં નીત નવો ફણગો ફૂટે છે. હવે કંગનાના વકીલે પોલીસને પત્ર લખીને આદિત્યનો મોબાઇલ જપ્ત કરવાની માગણી કરી હતી.

આ વાતમાં બન્યું એવું કે કંગનાના વકીલે આદિત્યને ધમકી આપતાં કહ્યું કે અમે તને કંગના પર રેપ કરવાના આરોપમાં ફસાવી દઇશું. એ સમયે આદિત્યે પોતાના મોબાઇલ ફોન દ્વારા આખીય વાતને રેકોર્ડ કરી લીધી હતી અને ત્યારબાદ એવો આક્ષેપ કર્યો હતો કે મારી પાસેથી મોટી રકમ પડાવવા કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ મને રેપના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ રહ્યો એનો પુરાવો.

વળતો પ્રહાર કરતા રિઝવાને પોલીસને એવો પત્ર લખ્યો હતો કે આદિત્યનો મોબાઇલ જપ્ત કરીને એણે કરેલા કહેવાતા સ્ટીંગ ઓપરેશનની તમામ વિગતો જાહેર થવા દો.

કંગનાની બહેન રંગોલીએ એવો આક્ષેપ કર્યો હતો કે દસ વર્ષ પહેલાં જ્યારે કંગના મુંબઇમાં અને બોલિવૂડમાં સાવ નવી નવી હતી ત્યારે આદિત્યે એને પોતાને ત્યાં ગોંધી રાખી હતી અને એની સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું. આ અંગે પોલીસ કેસ ચાલી રહ્યો છે. અંધેરી ઉપનગરના વરસોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ મિડિયાને કહ્યું હતું કે અમે બંને સેલેબ્રિટીને પોલીસ સ્ટેશને આવીને પોતપોતાનાં નિવેદન નોંધાવી જવાની સૂચના આપી હતી.

જો કે અત્યારે તો કંગના કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સહભાગી થવા ગઇ છે. એના વકીલ અને આદિત્ય વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jst4zg
via Latest Gujarati News

Post a Comment

0 Comments