સુપ્રીમ કોર્ટે મમતાની નજીકના પોલીસ અધિકારીની ધરપકડ પરથી રોક હટાવી

કલકત્તા,તા.17 મે 2019, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની નિકટના મનાતા અધિકારી અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શારદા ચીટફંડ ગોટાળામાં ધરપકડ કરવા પરની રોક હટાવી લીધી છે.

સુપ્રીમ કોર્ટે તેની સાથે સાથે રાજીવ કુમારને આગોતરા જામીન માટેની અરજી હાઈકોર્ટમાં કરવા સાત દિવસનો સમય આપ્યો છે. જો આ સાત દિવસમાં તેઓ અરજી ના કરે અથવા તો તેમને જામીન ના મળે તો સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે.

આ પહેલા જ્યારે સીબીઆઈ રાજીવ કુમારની ચીટ ફંડ મામલામાં ધરપકડ કરવા માટે ગઈ હતી ત્યારે કોલકાતા પોલીસે સીબીઆઈ અધિકારીઓને જ અટકમાં લીધા હતા. સીબીઆઈથી બચવા રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તેમની ધરપકડ પર તે સમયે રોક લગાવી હતી.

આ મામલામાં હજી સુધી રાજીવ કુમાર સામે સીબીઆઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. હવે સુપ્રીમ કોર્ટે ધરપકડ પરથી રોક લગાવી દીધી છે ત્યારે  રાજીવ કુમારને અટકમાં લેવા માટે પહેલા તો સીબીઆઈને ફરિયાદ નોંધવી પડશે.

રાજીવ કુમારની લીગલ ટીમે હાઈકોર્ટમાં જામીન અરજી મુકવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે કોલકાતા હાઈકોર્ટમાં ત્રણ દિવસથી વકીલો હડતાળ પર છે તેવામાં રાજીવ કુમાર જામીન અરજી માટે ફરી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

ચીટ ફંડમાં રાજીવ કુમારનુ નામ આવ્યા બાદ સીબીઆઈ રાજીવ કુમારની પૂછપરછ કરવા માંગતી હતી પણ બંગાળ પોલીસે ઉલટાના સીબીઆઈ અધિકારીઓને જ અટકમાં લઈ લીધા હતા.

ખુદ મમતા બેનરજી પણ સીબીઆઈ દ્વારા રાજીવ કુમાર સામે કાર્યવાહીના વિરોધમાં ધરણા પર બેસી ગયા હતા. એ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.રાજીવ કુમારને કોલકાતાના પોલીસ કમિશ્નર પદેથી હટાવાયા હતા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VzTWiI
via Latest Gujarati News

Post a Comment

0 Comments