રાજસ્થાન સરકારે પાઠ્યપુસ્તક માંથી નોટબંધીનો પાઠ કાઢી નાખ્યો

જયપુર, તા.15 મે 2019, બુધવાર

રાજસ્થાન કોંગ્રેસ સરકાર દ્વારા સ્કુલના પાઠયપુસ્તકમાંથી નોટબંધીના પાઠનો છેદ ઉડાડી દીધો છે. નવા શૈક્ષણિક વર્ષથી પાઠયક્રમ સુધારવામાં આવશે. મીડિયા રીપોર્ટ અનુસાર રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે, નોટબંધી અસફળ રહી છે. વડાપ્રધાન મોદીએ નોટબંધીથી આતંક રોકવો, ભ્રષ્ટાચાર નાબુદ કરવો અને કાળુ નાણુ દેશમાં લાવવું એવુ જણાવ્યું હતું પરંતુ તેના બદલે લોકોને લાઈનમાં ઊભુ રહેવુ પડ્યું અને ઊલટું દેશની તિજોરી પર રૂપિયા 10,000 કરોડનો બોજ પડ્યો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉની ભાજપ સરકાર દ્વારા 2017માં ધોરણ 12ના રાજકીય વિજ્ઞાનમાં નોટબંધીનો પાઠ રજૂ કરવામાં આવ્યો હતો. પાઠયપુસ્તકમાં કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટબંધીના નિર્ણયને ઐતિહાસિક અને કાળુ નાણુ ખતમ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

શિક્ષણમંત્રીએ સાથે જ કહ્યું કે, જોહર કરનાર સ્ત્રીઓનું ચિત્ર ધોરણ-8ના અંગ્રેજીના પુસ્તકમાંથી હટાવી લેવામાં આવ્યું છે. અમને એવો અહેસાસ થયો કે અંગ્રેજીના પુસ્તકમાં જોહરના ચિત્રની કોઈ જરૂર નથી. આ ઉપરાંત અમને લાગ્યું કે એ યોગ્ય ના કહેવાય કે આજની સ્ત્રીઓ એવા પુસ્તકો વાંચે જેમાં આત્મ-હનન કરનાર મહિલાના ચિત્રો હોય.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JGIm2T
via Latest Gujarati News

Post a Comment

0 Comments