
(પીટીઆઈ) રાંચી, તા. 20 મે, 2019, સોમવાર
રાજેન્દ્ર ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઉંમર અને આરોગ્ય સંબંધી બીમારીઓના કારણે છેલ્લા થોડા મહિનાઓથી અડધો ડઝન કરતા પણ વધારે ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે.
રિમ્સ હોસ્પિટલના ડોક્ટર ઉમેશ પ્રસાદ રાજદ પ્રમુખની સારવાર કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે લાલુ યાદવના ડાબા પગમાં પાક થવાના કારણે તેઓ તીવ્ર દુખાવો સહી રહ્યા છે. જો કે એન્ટિબાયોટિક દવાઓના કારણે તેમની સ્થિતિ સુધારા પર છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે લાલુ યાદવ હાયપરટેન્સિવ અને ડાયાબિટીક દર્દી છે. તેમણે થોડા સમય પહેલા મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટયુટમાં વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જી કરાવી હતી તથા તેઓ કિડની અને લીવર સંબંધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, ઉંમરના કારણે પ્રસાદ આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને સમય સાથે તેમની રોગપ્રતિકારક શક્તિઓ પણ નબળી પડી રહી છે જેથી તેઓ વારંવાર ચેપનો ભોગ બને છે. પ્રસાદના ધબકારા, બ્લડ સુગર અને બ્લડ પ્રેશર વગેરે સામાન્ય હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.
લાલુ યાદવ ૨૩ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ ત્રણ જેટલા ઘાસચારા કૌભાંડમાં દોષી ઠેરવાયા હતા અને જામીન પુરા થતા ૩૦ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ કોર્ટના તાબે થયા હતા. બાદમાં સ્વાસ્થ્યલક્ષી કારણોસર બિરસા મુંડા સેન્ટ્રલ જેલ સત્તાધીશોએ તેમને રિમ્સમાં મોકલી આપ્યા હતા.
૨૫ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ ઝારખંડ હાઈ કોર્ટે લાલુની જામીન અવધિને વધુ ત્રણ મહિના માટે લંબાવવાની અરજીનો અસ્વીકાર કર્યો હતો અને તેમની સ્થિતિ સુધાર પર હોવાનું કહીને શરણાગતિનો આદેશ આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JtzGgZ
via Latest Gujarati News
0 Comments