રાહુલની ટકોર પછી કોંગ્રેસના 120 પદાધિકારીઓએ રાજીનામા આપ્યાં


નવી દિલ્હી/ભોપાલ, તા. 28 જૂન, 2019, શુક્રવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પરાજય પછી કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ કે પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો નહીં. આ નિવેદનની ધારી અસર થઈ હતી. દેશભરમાં કોંગ્રેસના ૧૨૦ પદાધિકારીઓએ રાજીનામુ આપ્યું હતું.

રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાર્ટીની હાર પછી નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષ પ્રમુખો, મુખ્યમંત્રીઓ કે મહાસચિવોએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો ન હતો. આ નિવેદન પછી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ હારની નૈતિક જવાબદારી સમજીને રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું. દેશભરમાં કોંગ્રેસના વિવિધ એકમોના, પાર્ટીના વિવિધ પાંખના ૧૨૦ જેટલા પદાધિકારીઓએ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.

રાજીનામાનો એક પત્ર લખીને તેમાં ૧૨૦ જેટલા પદાધિકારીઓએ હસ્તાક્ષર કર્યા છે. એમાં કોંગ્રેસના સચિવથી લઈને યુવા કોંગ્રેસના પદાધિકારીઓ, મહિલા કોંગ્રેસના હોદ્દેદારો વગેરેનો સમાવેશ થાય છે. આ નેતાઓમાં દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઠિયા, હરિયાણા પ્રદેશ મહિલા અધ્યક્ષ સુમિત્રા ચૌહાણ વગેરેનો સમાવેશ થાય છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે રાહુલ ગાંધીની વાત સાચી છે. મધ્યપ્રદેશમાં લોકસભાની બેઠકોમાં થયેલી કોંગ્રેસની હાર માટે હું જવાબદાર છું. મને ખબર નથી કે બીજું કોણ-કોણ જવાબદાર છે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ કે અન્ય રાજ્યોના પ્રદેશ પ્રમુખોની મને જાણકારી નથી, પરંતુ મેં પરિણામો પછી તુરંત મધ્યપ્રદેશના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મારું રાજીનામું સ્વીકારાયું ન હતું.

કમલનાથે કહ્યું હતું કે નૈતિક જવાબદારી સ્વીકારીને હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખ પદેથી મેં રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે હાઈકમાન્ડે મને એ પોસ્ટ ઉપર કાર્યરત રહેવાનો આદેશ કર્યો હતો. કમલનાથે એવો સંકેત પણ આપ્યો હતો કે જો હાઈકમાન્ડ હજુ પણ ઈચ્છશે તો હું પક્ષ પ્રમુખના પદેથી રાજીનામુ આપી દઈશ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FS1OXR
via Latest Gujarati News

Post a Comment

0 Comments