આગ્રામાં બસ ટ્રકમાં ઘૂસી જતાં સાતનાં મોત, 50 જેટલા ઘાયલ


(પીટીઆઈ) આગ્રા, તા. 28 જૂન, 2019, શુક્રવાર

આગ્રામાં લખનૌ એક્સપ્રેસ વે પર બિહારથી આવી રહેલી એક ડબલ ડેકર બસ રસ્તા પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ વર્ષની બાળકી સહિત સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ૫૦ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

બસમાં સવાર મોટા ભાગના લોકો બિહારથી જયપુર મજૂરી કરવા માટે જઈ રહ્યા હતા. વહેલી સવારે પાંચ કલાકે બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ આગળ ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો મોટો ધડાકો સાંભળીને આસપાસના ગ્રામીણ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને સૂચના આપી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

જાણવા મળ્યા મુજબ બસમાં તેની ક્ષમતા કરતા ઘણા વધારે મુસાફરો ભરવામાં આવ્યા હતા અને ગેલેરીમાં પણ મુસાફરો સવાર હતા. બસમાં બે ડ્રાઈવર હોવા છતા દુર્ઘટના ઘટી હતી અને ઘાયલોને ખેંચીને બહાર કાઢવા પડયા હતા. મૃતકોની ઓળખ વિધિ માટે બિહાર આપત્તિ વ્યવસ્થાપનની મદદ લેવામાં આવી છે.

 ઈજાગ્રસ્તો પૈકીના અમુક લોકો અંદરો-અંદર એકબીજાને ઓળખે છે અને બાકીનાઓના ઘરે જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બસમાં સવાર તમામ લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા હતા અને બિહારના વિભિન્ન વિસ્તારોમાંથી જયપુર જઈ રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KMn714
via Latest Gujarati News

Post a Comment

0 Comments