મુસ્લિમ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં ડાઈનિંગ હોલની મમતાની જાહેરાતથી હોબાળો


ભાજપ સહિતના વિપક્ષોની ટીકા પછી મમતાનો બચાવ

કોલકાત્તા, તા. 28 જૂન, 2019, શુક્રવાર

મમતા બેનર્જીની સરકારે પશ્વિમ બંગાળમાં લઘુમતી વિસ્તારની શાળાઓમાં ડાઈનિંગ હોલ બનાવવાની યોજના જાહેર કરી તે સાથે જ રાજ્યમાં વિવાદ શરૂ થયો છે. ભાજપ સહિતના વિપક્ષોએ ધાર્મિક ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે મુસ્લિમ વિદ્યાર્થીઓની બહુમતી ધરાવતી શાળાઓમાં ડાઈનિંગ હોલ બનાવવાની યોજના જાહેર કરતા રાજ્યમાં વિરોધ ખડો થયો છે. ૨૦૦ કરોડના ખર્ચે કુલ ૬૧૭૧ શાળાઓમાં મિડ-ડે મિલ માટે હાઈનિંગ હોલની યોજના અમલી બનાવવાનો સરકારે સરક્યુલયર બહાર પાડયો તે સાથે જ ભાજપ સહિતના વિપક્ષોએ ધર્મના નામે રાજકારણ થઈ રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તે પછી ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ બાબતે ધર્મનો કોઈ જ મુદ્દો જ બનતો નથી. આ યોજનામાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યુું છે. તેમણે બચાવ કરતા કહ્યું હતું કે આ જૂનો પરિપત્ર છે, જે રદ્ કરવામાં આવ્યો છે, અધિકારીની ભૂલના કારણે એ જાહેર થયો છે. મૂળ તો આ પ્રોજેક્ટ અંતર્ગત જે શાળાઓમાં બાળકો મધ્યાહન ભોજન વખતે બહાર બેસીને ભોજન લેવા માટે મજબૂર છે, ત્યાં હોલ બનાવવાનું આયોજન છે.

વિવાદ પછી લઘુમતી કલ્યાણ મંત્રાલયે બચાવ કરતા કહ્યું હતું કે લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા ફંડ ફાળવવામાં આવે તો એ ફંડ લઘુમતી સમુદાયના વિકાસ માટે જ વાપરવામાં આવે છે. અમુક વિસ્તારમાં ડાઈનિંગ હોલ માટે ફંડ લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા ફાળવવામાં આવતું હોવાથી ડાઈનિંગ હોલની શરૂઆત  મુસ્લિમ વિદ્યાર્થીઓની બહુમતી ધરાવતી શાળાઓથી થશે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે માઈનોરિટી મંત્રાલય અને મદરેસા બોર્ડ દ્વારા જારી થયેલો પરિપત્ર રદ્ થયો હતો અને મુસ્લિમ વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળાઓમાં સુવિધા આપવાના પ્રોજેક્ટ તો ચાલતા હોય છે. એ ટેકનિકલ મુદ્દો છે, તેને રાજકીય રંગ આપવો ન જોઈએ. સરકારના બચાવ અને વિરોધ પક્ષોના હોબાળાના કારણે આ મુદ્દે પશ્વિમ બંગાળમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZQqpUe
via Latest Gujarati News

Post a Comment

0 Comments