
પટના, તા. 23 જૂન, 2019, રવિવાર
બિહારમાં તાવે હાહાકાર મચાવ્યો છે, આ તાવ અત્યાર સુધીમાં ૧૪૯ જેટલા બાળકોને ભરખી ગયો છે.પરીણામે બિહાર સરકારની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા કોઇ નક્કર પગલા ન લેવાતા લોકોમાં હવે નેતાઓ પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. રવિવારે લાલગંજના એલજેપીના ધારાસભ્ય રાજ કુમાર શાહ તપાસ માટે પહોંચ્યા હતા.
જોકે સ્થાનિકોમાં ધારાસભ્યની કામગીરીને લઇને એટલો ગુસ્સો હતો કે લોકોને ધારાસભ્યને બંધક બનાવી લીધા હતા અને ઘેરીને સવાલોનો મારો ચલાવ્યો હતો. બાદમાં લોકોએ ધારાસભ્યની વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી.
છેલ્લા કેટલાક દિવસથી આ તાવ બાળકોનો જીવ લઇ રહ્યો છે ત્યારે ધારાસભ્ય પોતાના વિસ્તારના પીડિતોને મળવા નહોતા આવતા કે કોઇ પગલા નહોતા લેતા જેને પગલે સ્થાનિકોએ ધારાસભ્ય ગૂમ થયા હોવાના પોસ્ટરો પણ લગાવ્યા હતા. અંતે ભીસમાં આવેલા ધારાસભ્ય મળવા માટે આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા.
બાદમાં ધારાસભ્યએ પીડિતોને પાંચ હજારની આર્થીક સહાય અને જરુરી દવાઓ વહેંચી જે બાદ લોકોએ તેને જવા દીધા હતા. બીજી તરફ હરિવંશપુર ગામમાં લોકોએ રામવિલાસ પાસવાન ગૂમ થયા છે તેવા પોસ્ટરો લગાવ્યા હતા. સાથે માગ કરી હતી કે આ સંકટના સમયે તેમણે આ વિસ્તારમાં આવવું જોઇએ.
જોકે રામ વિલાસ પાસવાન તો નહોતા આવ્યા પણ તેમના ભાઇ અને સાંસદ પશુપતિ પારસ લોકોને મળવા માટે પહોંચ્યા હતા અને તેમની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. લોકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. જોકે તેમણે પણ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. લોકો એટલા ગુસ્સામાં હતા કે પશુપતિ પારસને ઘેરી લીધા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા. આ પહેલા નિતિશ કુમાર જ્યારે પ્રભાવિત વિસ્તારોના હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો હતો.
સરકાર તાવને ફેલાતો રોકવામાં અને બાળકોને યોગ્ય સારવાર આપવામાં નિષ્ફળ રહી હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો હવે મંત્રીઓ, નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યો તેમજ સાંસદોને ઘેરી રહ્યા છે અને જવાબ માગી રહ્યા છે કે તેઓ આટલા દિવસ કેમ ગુમ રહ્યા અને કોઇ પગલા કેમ ન લીધા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IBDo6m
via Latest Gujarati News
0 Comments