
ઇરાને અમેરિકા માટે જાસૂસી કરતા પૂર્વ કર્મચારીને ફાંસી આપી
વોશિંગ્ટન, તા. 23 જૂન, 2019, રવિવાર
ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો તમામ અખાતી દેશો મુસીબતમાં મૂકાશે તેવું નિવેદન ઇરાનના ઉચ્ચ સૈન્યાધિકારીએ આપ્યું છે. મેજર જનરલ ગુલામઅલી રાશીદે નિવેદન આપ્યું છે કે યુદ્ધ થશે તો અખાતી દેશોને વિપરિત અસર થશે અને અમેરિકાએ અખાતી દેશોમાં તૈનાત કરેલા સૈનિકોના જીવ પણ જોખમમાં મૂકાશે.
મેજર જનરલ ગુલામઅલીનું કહેવું છે કે અમેરિકાએ જવાબદારીપૂર્વક પગલાં લેવા જોઇએ. જો તે આ વિસ્તારમાં ગેરવર્તણૂક કરશે તો અમેરિકન સૈનિકોના જીવ જોખમમાં મૂકાશે. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટનનું કહેવું છે કે ઇરાન કે અમેરિકા સામે પડેલા કોઇ પણ દેશે અમેરિકાની વિવેકબુધ્ધિને તેની નબળાઇ ન સમજવી જોઇએ. ઇરાન અખાતી દેશોમાં હિંસા કરવાનું લાયસન્સ મળ્યું હોય તેવો વર્તાવ કરી રહ્યું છે.
ઉલ્લેનખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફ ઇરાન પર વધુને વધુ પ્રતિબંધો ફરમાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે જ્યારે બીજી તરફ તેેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે ઇરાનના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા તેઓ ઇરાન સાથે સંધિઓ કરવા માગે છે, જેથી બન્ને દેશો વચ્ચેની તણાવભરી પરિસ્થિતિનો અંત આવે.
બીજી બાજુ ઇરાને એના સંરક્ષણ મંત્રાલયના એક પૂર્વ સ્ટાફ સભ્યને અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઇએ માટે જાસૂસી કરવાના ગુન્હાની સજારૂપે ફાંસીએ લટકાવી દીધો છે. જલાલ હાજીઝાવર નામના આ પૂર્વ સ્ટાફ સભ્યે કોર્ટમાં, પોતાને સીઆઇએ માટે જાસૂસી કરવા બદલ નાણાં મળતા હોવાનું સ્વીકાર્યું હતું. સત્તાવાળાઓએ એને ઘરેથી જાસૂસી માટે વપરાતું યંત્ર પણ જપ્ત કર્યું હતું.
આથી એને ગયા સપ્તાહે તહેરાન પાસેની જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો, એમ ઇરાનના સ્ટેટ ટીવીના રિપોર્ટમાં જણાવાયું છે. હાજીઝાવરની પત્નીને પણ જાસુસીમાં સાથ આપવા બદલ કોર્ટે ૧૫ વર્ષની કેદની સજા ફટકારી છે. ઇરાન, પ્રસંગોપાત, અમેરિકા અને ઇઝરાયેલ સહિતના વિદેશોના જાસૂસોની અટકાયત વિષે જાહેરાત કરતું રહે છે. એણે ૨૦૧૬ માં અમેરિકા માટે જાસૂસી કરવાના ગુન્હામાં એક અણુવિજ્ઞાનીને ફાંસી આપી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FtTgpT
via Latest Gujarati News
0 Comments