
હુમલાનો ભોગ બનેલી મિલિટરી કમ્પ્યૂટર સિસ્ટમ ઇરાનના રોકેટ અને મિસાઇલોનું સંચાલન કરે છે
વોશિંગ્ટન, તા. 23 જૂન, 2019, રવિવાર
અમેરિકાની મિલિટરી સાયબર ફોર્સે ગત ગુરૂવારે ઇરાનના મિલિટરી કમ્પ્યૂટર્સ પર સાયબર હુમલો કર્યો હતો. અમેરિકાના સંરક્ષણ વિભાગના બે અધિકારીઓએ ઓળખ બહાર ન પાડવાની શરતે આ માહિતી અસોસિએટ પ્રેસને આપી છે. જો કે હજુ સુધી ઇરાને આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષથી અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે અમેરિકાએ ઇરાન પર પરંપરાગત હુમલાની જગ્યાએ સાયબર હુમલાની યોજના બનાવી હતી.
અઠવાડિયાઓ સુધી બનાવવામાં આવેલી આ યોજના અંગે ટ્રમ્પની પણ મંજૂરી હોવાનો આ અધિકારીઓનો દાવો છે. ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ ઇરાનના સંરક્ષણ દળોની એક વિશિષ્ટ બ્રાંચ છે. રિવોલ્યુશનરી ગાર્ડે થોડા દિવસો પહેલાં બે ઓઇલ ટેન્કરને બોમ્બથી ઉડાવી દીધા હતા, ત્યારબાદ અમેરિકાના સંરક્ષણ અધિકારીઓએ સાયબર હુમલાનો વિકલ્પ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષથી અમેરિકા સાયબર મિલિટરી ક્ષમતા વધારવા મહત્તમ પ્રયત્નો કરી રહ્યું છે. સંરક્ષણ અધિકારીઓ પણ વધુ ઘાતક સાયબર વ્યૂહરચનાઓ ઘડવાની કામગીરી કરી રહ્યા છે. અમેરિકા પણ દુશ્મનો પર વાર કરવા માટે સાયબર હુમલાઓનો આશરો લઇ રહ્યું છે.
જો કે હજુ સુધી ઇરાને આ સાયબર હુમલાઓ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. ૨૦૦૭-૨૦૦૮ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલે સંયુક્તપણે સ્ટુક્સનેટ નામનો કમ્પ્યૂટર વાયરસ બનાવી ઇરાનના મિલિટરી કમ્પ્યૂટર્સ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાને તેના ઇન્ફ્રસ્ટ્રક્ટર અને કમ્પ્યૂટર વચ્ચેના નેટવર્કને વધુ સક્ષમ બનાવ્યું છે.
જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે કે ઇરાન પર હુમલાની યોજના હજુ ટેબલ પર જ છે. જ્યાં સુધી બન્ને દેશો વચ્ચેના તણાવનો અંત ન આવે ત્યાં સુધી ઇરાન પર હુમલાનો વિકલ્પ ખૂલ્લો જ રાખવામાં આવ્યો છે. ઇરાને થોડા દિવસો અગાઉ યુ.એ.ઇ.(યુનાઇટેડ આરબ અમિરાત) સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો છે. યુ.એ.ઇ. અમેરિકાને ડ્રોન લોન્ચ કરવા માટે બેઝ પૂરા પાડે છે. જેનો વિરોધ ઇરાને કર્યો છે. ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડયા બાદ બન્ને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આ ડ્રોનની કિંમત ૧૦૦ મિલિયન ડૉલર હોવાની અંદાજ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y7pmyX
via Latest Gujarati News
0 Comments