રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા ભારત અમેરિકાની શરતોને પૂર્ણ કરે છે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 25 જૂન, 2019, મંગળવાર

રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે અમેરિકાના પ્રતિબંધમાં રાહતની શરતોને ભારત પૂર્ણ કરે છે અને આ મુદ્દે ટ્રમ્પ વહીવટી તંત્રે ખૂબ જ સુગમતા દર્શાવી છે તેમ રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હી મોસ્કો સાથેના પોતાના જૂના સંરક્ષણ સંબધોને સમાપ્ત કરી શકે તેમ નથી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો વચ્ચેની બેઠકના એક દિવસ પહેલા ભારતના રાજદ્વારી સૂત્રો દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. 

બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે અમેરિકા સાથે અંગત અને જાહેર સ્તરે ચર્ચા થઇ છે અને અમેરિકા માટે આ એક ચિંતાની બાબત છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયા સાથે અમારા જૂના સંરક્ષણ સંબધો છે જેને અમે સમાપ્ત કરવા માગતા નથી. ઉલ્લેખનીય છે કે ભારતે ગયા વર્ષે ઓક્ટોબરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રશિયા સાથે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા સમજૂતી કરી હતી. 

ભારતે અમેરિકાની ચેતવણીને અવગણીને રશિયા સાથે આ સમજૂતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદામાં એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે કઇ શરતોને આધીન અમેરિકાના પ્રતિબંધમાંથી રાહત મળી શકે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્ર એટલું સુગમ છે કે  ભારતની પરિસ્થિતિ અને જરૂરિયાતનો ધ્યાનમાં રાખીને તે ભારતને રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X2lcqP
via Latest Gujarati News

Post a Comment

0 Comments