
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 24 જૂન 2019, સોમવાર
મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઈતિહાસમાં ૧૯૬૨ પછી ૫૭ વર્ષ બાદ આજે ઉપસભાપતિ પદ ઉપર મહિલા નેતાની નિમણૂંક કરવામાં આવી છે. શિવસેનાના ઉપનેતા, પ્રવકતા ડો. નિલમ દિવાકર ગોર્હે આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ પદ ઉપર ર્નિવિરોધ ચૂંટાઈ આવ્યા. પિપલ્સ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રોફેસર જોગેન્દ્ર કવાડેએ પણ ઉપસભાપતિ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. પણ તેમણે પોતાનું નામાંકન પાછું ખેંચવાના કારણે ડો. નિલમ ગોર્હે ર્નિવિરોધ ચૂંટાઈ આવ્યા. આ પહેલાં શ્રીમતી જે.ટી. સિપાહી મલાની ૧૯ ઓગસ્ટ ૧૯૫૫થી ૨૪ એપ્રિલ ૧૯૬૨ સુધી વિધાન પરિષદના ઉપસભાપતિ પદ ઉપર મહિલા નેતા બિરાજમાન હતા. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ડો. નિલમ ગોર્હે આ તેરમા ઉપસભાપતિ બન્યા છે.
આ પહેલાં માણિકરાવ ગોવિંદરાવ ઠાકરે ૮ જુલાઈ ૨૦૧૬ના દિવસે ઉપસભાપતિ બન્યા અને તેમણે પાર્ટી તરફથી વિધાન પરિષદ માટે ઉમેદવારી આપવામાં આવી ના હોવાથી ૧૭ જુલાઈ ૨૦૧૮ના દિવસે રાજીનામું આપ્યું. ત્યારથી આ પદ ખાલી હતું.
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સદનમાં કોંગ્રેસ અને એનસીપીની સંખ્યા ઓછી થઈ અને ભાજપ શિવસેનાની સંખ્યા વધી. ભાજપના ૨૩, શિવસેનાના ૧૨, એનસીપીના ૧૭ અને કોંગ્રેસના ૧૬ સભ્યો છે અને ભાજપા શિવસેના યુતિના સમજુતી મુજબ આજે શિવસેનાના ડો. નિલમ ગોર્હેને ઉપસભાપતિ પદ આપવામાં આવ્યું. ૨૦૦૨થી ડો. નિલમ ગોર્હે વિધાન પરિષદના સભ્યપદે બે વિવિધ કમિટી ઉપર તેઓ કામ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સભાપતિ રામરાજે નિંબાળકર વિગેરે મહાનુભાવોને તેમણે અભિનંદન કર્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YayR0f
via Latest Gujarati News
0 Comments