મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્સર વધુ 5,727 લોકોનો કોળિયો કરી ગયું


મુંબઇ, તા. 23 જૂન 2019, રવિવાર

મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્સરના કેસમાં ૧૧,૩૦૬નો તથા તેથી થતાં મોતની સંખ્યામાં ૫,૭૨૭નો વધારો થયાનું તાજેતરના એક અભ્યાસમાં જણાવાયું છે. ૨૦૧૮માં રાજ્યમાં કેન્સરના ૧,૪૪,૦૩૨ કેસ જ્યારે ૭૨૭૬૨નાં મોત નોંધાયા હતા.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ ઈન્ફોમેટિકસ એન્ડ રીસર્ચ- નેશનલ કેન્સર રજિસ્ટ્રિ પ્રોગ્રામ (એનસીડીઆઈઆર- એનસીઆરપી)ની આ માહિતીને તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચોબેએ લોકસભામાં રજૂ કરી હતી.

આ અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું કે સમગ્ર દેશમાંના કેન્સરના કુલ કેસ પૈકીના નવ ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા હતા. એક તરફ કેન્સરના કેટલાક નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું હતું કે આ માહિતી કેન્સરના નિદાનની પ્રક્રિયામાં સુધારો થયાનું દર્શાવે છે તો અન્ય ડોક્ટરોએ કેન્સરથી થતાં મોતની સંખ્યા ઘટે તે માટે તેની સારવારની ઉપલબ્ધતા, વધે, સારવારનો ખર્ચ પરવડે તેવો થાય તથા સારવાર સહેલાઈથી મળતી થવાની જરૂરિયાત હોવા પર ભાર મૂક્યો હતો.

છેલ્લાં બે વર્ષમાં મોઢું, સ્તન અને ગર્ભાશયના કેન્સરના નિદાન માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્સરની તપાસના પ્રોગ્રામ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે. કેન્સરના કેસના આ આંકડા દર્શાવે છે કે હવે આપણે કેન્સરના અનેક ચોક્કસ પ્રકારનાં કેસોની ઓળખ કરી શકીએ છીએ અને વધુ સંખ્યામાં દરદીઓ કેન્સરની સારવાર લે છે એમ ટાટા મેમોરિઅલ હોસ્પિટલના હેડ એન્ડ નેક કેન્સર વિભાગના વડા ડો. પંકજ ચતુર્વેદીએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDcFXe
via Latest Gujarati News

Post a Comment

0 Comments