
મુંબઇ, તા. 23 જૂન 2019, રવિવાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની માહિતી મુજબ મલેરિયાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પાલિકાના લોકઆરોગ્ય વિભાગે આ વર્ષના જાન્યુઆરીથી મે દરમિયાન આ બિમારીના લગભગ ૯૬૮ કેસ નોંધ્યા હતા.
માહિતી અધિકાર (રાઈટ ટુ ઈન્ફોર્મેશન) હેઠળના પ્રશ્નના ઉત્તરમાં પાલિકાએ જણાવ્યા મુજબ મલેરિયાના સૌથી વધુ ૨૮૪ કેસ મેમાં નોંધાયા હતા. મલેરિયાના સૌથી અધિક કેસ દાદર, માહિમ, પરેલ, ચર્નીરોડ, ગિરગામ, ભાયખલા જેવા વોર્ડમાં નોંધાયા હતા.
આ વર્ષના મે સુધીમાં મુંબઈના અન્ય વોર્ડની તુલનાએ ઈ વોર્ડ- ભાયખલા, જી સાઉથ વોર્ડ- દાદર, માહિમ તથા એફ સાઉથ વોર્ડ- પરેલ, વડાલા, નાયગાંવ અને દાદરમાં મલેરિયાના સૌથી અધિક કેસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ગયા વર્ષે પણ મલેરિયાના સર્વાધિક કેસ આ વોર્ડઝમાં જ હતા. પાલિકાની માહિતીમાં વધુમાં જણાવાયું છે કે ૨૦૧૮ના જુલાઈથી ૨૦૧૯ના મે સુધી સમગ્ર મુંબઈમાં આ બિમારીના લગભગ ૪,૩૨૬ કેસ નોંધાયા હતા. આમાંના મોટાભાગના કેસ ચોમાસા દરમિયાનના હતા.
પાલિકાના એકઝીકયુટીવ હેલ્થ ઓફિસર ડો. પદ્મજા કેસકરે જણાવ્યું હતું કે એ- સાઉથ, જી- સાઉથ અને ઈ- વોર્ડમાં મિલો, વિવિધ ચાલ તથા રેલવેના કારશેડઝ હોવાથી આ ત્રણે વોર્ડમાં મચ્છરોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય તેવાં અનેક સ્થળો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અન્ય વોર્ડની તુલનાએ આ ત્રણ વોર્ડમાં મલેરિયા થવાનું જોખમ વધુ હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું છે. વાસ્તવમાં આ વોર્ડઝમાં મલેરિયાના કેસ અધિક હોય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xy2OtS
via Latest Gujarati News
0 Comments