
(પીટીઆઈ) અમૃતસર, તા. 26 જૂન, 2019, બુધવાર
પાકિસ્તાને બુધવારે મહારાજા રંજિત સિંહની પુણ્યતિથિના અવસરમાં ઉપસ્થિત રહેવા માંગતા 58 શીખ શ્રદ્ધાળુઓને વીઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસજીપીસી)એ વીઝા માટે 282 આવેદનો ભર્યા હતા.
જેમાંથી 224 લોકોને વીઝા આપવામાં આવ્યા છે જ્યારે 58 લોકોની વીઝા અરજી નામંજૂર કરવામાં આવી છે. એસજીપીસીના સચિવ મંજિત સિંહના કહેવા પ્રમાણે તેમણે 282 શીખ શ્રદ્ધાળુઓ માટે વીઝાની અરજી કરી હતી પરંતુ 224 લોકોને જ વીઝા આપવામાં આવ્યા છે. વીઝા મળી ગયા છે તે લોકો ગુરુવારે અટારી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે પાકિસ્તાન જશે.
જે શીખ શ્રદ્ધાળુઓના વીઝાને મંજૂરી નહોતી મળી તેમણે એસજીપીસીના કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા અને વીઝા સિસ્ટમ ન હોવી જોઈએ તેવી માંગ કરી હતી. પ્રદર્શનકારીઓના કહેવા પ્રમાણે વીઝા સિસ્ટમનો અંત લાવવો જોઈએ અને શ્રદ્ધાળુઓને વીઝા વગર જ યાત્રાની અનુમતિ મળવી જોઈએ.
હાલમાં તેઓ પાકિસ્તાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. ધાર્મિક સ્થળોની યાત્રા અંગેના ભારત-પાકિસ્તાન વચ્ચેના પ્રોટોકોલ, 1974 અંતર્ગત શ્રદ્ધાળુઓને યાત્રાની મંજૂરી આપવામાં આવે છે. આ સમજૂતી અંતર્ગત દર વર્ષે ભારતના હજારો શ્રદ્ધાળુઓ ધાર્મિક તહેવારો અને અવસરોમાં સામેલ થવા માટે પાકિસ્તાનની યાત્રા કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nqvkds
via Latest Gujarati News
0 Comments