કેપ્ટન અમરિંદર સિંહનો આક્રમક અંદાજ, કાર્યાલયમાંથી સિદ્ધુની નેમપ્લેટ હટાવી


(પીટીઆઈ) ચંદીગઢ, તા. 26 જૂન, 2019, બુધવાર

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની તકરારમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સત્તાના ઘમાસાણ વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પ્રત્યેનું વલણ વધારે આક્રમક કરીને સમસ્યામાં વધારો કર્યો છે.

સિદ્ધુએ 20 દિવસથી પણ વધુ સમય થયો હોવા છતા નવા ઉર્જા વિભાગનો કાર્યભાર સંભાળ્યો ન હોવાથી તેમનું મંત્રી પદ જોખમમાં જણાઈ રહ્યું છે. કારણ કે, અમરિંદર સિંહે કોંગ્રેસ હાઈકમાન્ડને સિદ્ધુ પોતાના નવા વિભાગનું મંત્રી પદ નહીં સંભાળે તો તેઓ સિદ્ધુના સ્થાને અન્ય કોઈને મંત્રી તરીકે નિયુક્ત કરી દેશે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.

કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુના સરકારી કાર્યાલય બહાર રહેલી નેમપ્લેટને પણ દૂર કરાવી દીધી છે જેથી રાજકીય ચર્ચાઓને ભારે વેગ મળ્યો છે. આ ઉપરાંત તેમણે દિલ્હી જઈને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો નિર્ણય પણ લઈ લીધો હતો.

કેપ્ટન અમરિંદર સિંહની રાહુલ ગાંધી સાથેની મુલાકાતની વાત જાહેર થતા જ તેમના નવજોત સિંહ સિદ્ધુ સાથેના વિવાદની ચર્ચાને વેગ મળ્યો છે. તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરીને સિદ્ધુને મંત્રી પદે જાળવી રાખવા કે કેમ તેનો નિર્ણય લેશે. 

મંત્રીઓના વિભાગમાં ફેરબદલી બાદ સિદ્ધુ પાસેથી સ્થાનિક સંસ્થા વિભાગ છીનવીને તેમને ઉર્જા વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. સિદ્ધુએ હજુ સુધી નવા વિભાગનો કાર્યભાર ન સંભાળ્યો હોવાના કારણે ઉર્જા વિભાગનું કામકાજ પ્રભાવિત થયું છે જેથી મુખ્યમંત્રી નારાજ થયા છે.

હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષની ખુરશીને લઈ સર્જાયેલા વિવાદનો અંત લાવવા રાહુલ ગાંધીએ 27 જૂનના રોજ પોતાના નિવાસ સ્થાને એક મીટિંગ યોજી છે જેમાં અમરિંદર સિંહ હાજર રહે તેવી શક્યતા જણાઈ રહી છે. આ તરફ સિદ્ધુની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે કારણ કે તેઓે સ્થાનિક સંસ્થા વિભાગના મંત્રી હતા ત્યારે અમુક પ્રોજેક્ટની ફાળવણીને લઈ વિવાદ સામે આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31R3vOx
via Latest Gujarati News

Post a Comment

0 Comments