મહારાષ્ટ્ર બોર્ડનું દસમાનું પરિણામ માત્ર 77.10 ટકાઃ2007ની સાલનું પુનરાવર્તન


- નવા અભ્યાસક્રમનું આગમન અને પ્રેક્ટિકલ પરીક્ષાને જાકારો દેવામાં વિદ્યાર્થીઓનું પરિણામ બગડયાનો આક્ષેપ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 8 જૂન 2019, શનિવાર

મહારાષ્ટ્ર બોર્ડનું એચએસસીનું પરિણામ જાહેર થયા બાદ સૌની નજર એસએસસીના પરિણામ તરફ હતી. અનેક અટકળો બાદ શનિવારે, આઠમી જૂનના રોજ વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આણી મહારાષ્ટ્ર બોર્ડે બપોરે એક વાગ્યે દસમાનું પરિણામ જાહેર કર્યું હતું. જોકે આ પરિણામ આવતાંની સાથેજ વિદ્યાર્થીઓને આંચકાદાયી ઝટકો લાગ્યો છે. આ વર્ષે દસમાનું પરિણામ ૭૭.૧૦ ટકા આવ્યું છે. જે ગત વર્ષની તુલનાએ ૧૨.૩૧ ટકા જેટલું ઓછું છે. ખાસ તો એ કે આ વર્ષે પ્રેક્ટિકલ પરીક્ષા નહોતી અને એજ પદ્ધતિ પ્રમાણેે ૨૦૦૭માં ૭૮.૬૭ ટકા પરિણામ આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કુલ ૧૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૧૨ લાખ જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. માર્ચ, ૨૦૧૯ની એસએસસીની પરીક્ષામાં ૧૨,૪૭,૯૦૩ વિદ્યાર્થીઓએ પાસ થયાં છે. જેમાં રાજ્યમાં ૭૨.૧૮ ટકા છોકરાઓ તો ૮૨.૮૨ ટકા છોકરીઓએ પાસ થઈ સફળતાનો કળશ પોતાને માથે ચડાવ્યો છે. જ્યારે મુંબઈ વિભાગની વાત કરીએ તો મુંબઈનું પરિણામ પણ ૭૭.૦૪ ટકા આવ્યું હોઈ આ વિભાગમાં પણ છોકરીઓએ બાજી મારી છે. મુંબઈમાં ૭૨.૫૦ છોકરાઓ તેમજ ૮૨.૧૫ છોકરીઓ પાસ થઈ છે.

રાજ્યમાં પૂણે, નાશિક, કોંકણ, મુંબઈ, અમરાવતી, નાગપુર, લાતુર, કોલ્હાપુર અને ઔરંગાબાદ મળી કુલ નવ વિભાગમાં સૌથી વધુ ૮૮.૩૮ ટકા પરિણામ કોંકણ વિભાગનું તો સૌથી ઓછું ૬૭.૨૭ ટકા પરિણામ નાગપુર વિભાગનું આવ્યું છે. જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પરિણામ ૮૩.૦૫ ટકા જેટલું આવ્યું છે.    

પરીક્ષા પદ્ધતિ અને નવા અભ્યાસક્રમને કારણે પરિણામ ૧૨.૩૧ ટકા ઘટયું

આ વર્ષે નવા અભ્યાસક્રમનું પહેલું વર્ષ હતું, તેમજ પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓ કાઢી નંખાઈ હોવાથી વિદ્યાર્થીઓને ૧૦૦ માર્કના પેપર લખવા પડયાં હતાં, જેના લીધે તેમની ટકાવરી ઘટી હોવાનો અંદાજ બોર્ડાધ્યક્ષ શકુંતલા કાળે એ વ્યક્ત કર્યો હતો. આ કુલ પરિણામની અસર એ થઈ કે બોર્ડનું આ વર્ષનું પરિણામ ૧૨.૩૧ ટકા જેટલું ઘટી ગયું છે.

દસમાનું વિભાગવાર પરિણામ ઃ મુંબઈ પાંચમા ક્રમાંકે

કોંકણ - ૮૮.૩૮ ટકા, કોલ્હાપુર - ૮૬.૫૮ ટકા, પૂણે - ૮૨.૪૮ ટકા, નાશિક ૭૭.૫૮ ટકા, મુંબઈ - ૭૭.૦૪ ટકા, ઔરંગાબાદ - ૭૫.૨૦ ટકા, લાતુર - ૭૨.૮૭ ટકા, અમરાવતી - ૭૧.૯૮ ટકા તેમજ નાગપુર - ૬૭.૨૭ ટકા

ગુજરાતી માતૃભાષા વિષયનું પરિણામ ૮૯ ટકા 

મહારાષ્ટ્રમાં પ્રથમ ભાષા તરીકે ગુજરાતી વિષયની પરીક્ષા આપેલાં ૩૨૬૭ વિદ્યાર્થીઓમાંના ૨૯૧૯ વિદ્યાર્થીઓ પાસ થતાં ગુજરાતી વિષયનું રાજ્યનું પરિણામ ૮૯.૩૫ ટકા જેટલું આવ્યું છે, તેમાંના ૨૪૫૯ વિદ્યાર્થીઓ મુંબઈમાંથી પાસ થયાં હોવાથી મુંબઈનું પ્રથમ ભાષા ગુજરાતીનું પરિણામ ૮૯.૦૩ ટકા આવ્યું છે. જ્યારે દ્વિતીય કે તૃતીય ભાષા તરીકે ગુજરાતી વિષયનું પરિણામ રાજ્યમાં તેમજ ૯૮.૪૫ ટકા આવ્યું છે. 

રાજ્યમાં ૨૦ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક

સંપૂર્ણ રાજ્યમાં આ શરે ૧૨ લાખ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૨૦ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક્સ મળ્યાં છે. લાતુર વિભાગમાં સૌથી વધુ અર્થાત્ ૧૬ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક મળ્યાં છે તો ઔરંગાબાદમાં ત્રણ અને અમરાવતીમાં એક વિદ્યાર્થીએ ૧૦૦ ટકા માર્ક મેળવ્યા છે. આ ૧૦૦ ટકા માર્ક બેસ્ટ ઓફ ફાઈવના મળીને થયાં છે. રાજ્યમાં ૨૮,૫૧૬ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્ક મેળવ્યાં છે.       

પુનઃમુલ્યાંકન અને ફોટોકોપી માટે આવતીકાલથી અરજી થશે 

જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણાંકથી સંતોષ થયો ન હોય અને પુનઃમુલ્યાંકન કે ફોટોકોપી માટે તેણે અરજી કરવી હોય તો વેબસાઈટ પર ઉપલબ્ધ માર્કશીટની સેલ્ફ અટેસ્ટેડ કોપી સાથે સોમવારથી અરજી કરી શકાશે. પુનઃમુલ્યાંકન માટેની અરજીની મુદ્દત ૧૦મી જૂનથી બુધવાર ૧૯મી જૂન સુધીની છે તો ફોટોકોપી મેળવવા માટે ૧૦મી જૂનથી ૨૯મી જૂન સુધી અરજી કરી શકાશે. ઉત્તરવહીના પુનઃમુલ્યાંકન માટે પ્રથમ ઉત્તરવહીની ફોટોકોપી લેવી જરુરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31gDiZi
via Latest Gujarati News

Post a Comment

0 Comments