
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 જૂન 2019, શનિવાર
મુંબઇ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં અત્યારે માત્ર આઠ ટકા એટલે કે એક મહિનો પૂરતું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અસહ્ય ગરમી અને ચોમાસુ વિલંબમાં પડતા આગામી દિવસોમાં મુંબઇગરાના માથે પાણીની ચિંતા વધશે.
અત્યારે શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં સાતેય જળાશયોમાં ગયા વર્ષની તુલનામાં હાલમાં ૧,૩૨,૪૬૮ મિલિયન લીટર પાણીનો જથ્થો ઓછો છે. એટલે કે આજે જળાશયોમાં કુલ મળીને ૧,૨૩,૬૩૨ મિલિયન લીટર પાણી જમા છે. જ્યારે વર્ષ ૨૦૧૮માં આ દિવસે જળાશયમાં ૨,૫૬,૧૦૦ મિલિયન લીટર પાણી જમાં હતું. એટલે કે અડધો અડધ પાણીનો જથ્થો ઓછો જમા છે.
હાલમાં ભાતસા અને અપર વૈતરણાના જળાશયના રિઝર્વ ક્વોટામાંથી પાણી ઉચેલીને મુંબઇગરાને પાણી પુરવઠો વર્તમાન ૧૦ ટકા પાણીકાપ મુજબ વિતરણ કરાય છે. એટલેકે દરરોજ ૩૦૦૦ મિલિયન લીટર પાણી અપાય છે. જો કે દિવસે દિવસે પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. અને ચોમાસા શરૂ થવામાં વિલંબ થતો હોવાથી પાણીની ચિંતા વધી રહી છે.
અત્યારે જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ જોતા ૧૫ જુલાઇ સુધી પાણી ચાલે એટલું ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે ચોમાસુ નબળુ રહેતા મોડકસાગર, તાનસા, તુલસી, વિહાર, અપર વૈતરણા, ભાતસા, મિડલ વૈતરણા જળાશયમાં ટાર્ગેટ કરતા ઓછું પાણી જમા થતાં પાલિકાએ ૧૦ ટકા પાણીકાપ મૂક્યો હતો.
પાણીકાપ વગર પાલિકા મુંબઇને ૩૮૦૦ મિલિયન લીટર આપે છે. પણ ૧૦ ટકા કાપ મૂકતાં મુંબઇને દરરોજ ૩૪૦૦ મિલિયન લીટર પાણી પૂરું પડાય છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
સામાન્ય પણે મુંબઇના ચોમાસુ જૂન મહિનાના પ્રથમ સપ્તાહ બેસી જાય છે. પણ કેરાલામાં ગઇકાલથી ચોમાસુ બેસી ગયું છે. પણ મુંબઇમાં ચોમાસુ લગભગ ૧૩થી ૧૫ જૂન વચ્ચે બેસે એવી શક્યતા વર્તાઇ રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KAAOiA
via Latest Gujarati News
0 Comments