રાજ્યમાં ચોમાસુ સક્રિય, પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદની જોરદાર હાજરી


મુંબઇ, તા. 23 જૂન 2019, રવિવાર


સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે ત્યારે અંતે વરુણદેવે આજે મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં કૃપા કરી હતી. રાજ્યના પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદે હાજરી નોંધાવતા ખેડૂતોમાં આનંદની લહેરખી ફરી વળી અને તેમણે ખેતીના કામની શરૂઆત કરી હતી. રાજ્યના વિવિધ ભાગમાં ગત અમુક દિવસોથી ભીષણ પાણી પ્રશ્ન નિર્માણ થયો છે. આ સિવાય ગરમીએ માઝા મૂકતા ઉષ્માઘાતથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.

વરસાદ પણ સમયસર ન વરસતા ખેડૂત સહિત તમામ ચિંતિત હતા. પણ વરસાદે હાજરી પુરાવતા અને મોન્સૂન સક્રિય બનતા આ વિસ્તારના લોકો અને ખેડૂતો થોડા અંશે ચિંતામુક્ત બન્યા હતા.

દરમ્યાન નૈઋત્યનો મોસમી વરસાદ સક્રિય બની આવતા ૨૪ કલાકમાં રાજ્યમાં વ્યાપશે તેવો અંદાજ ભારતીય હવામાન ખાતાએ વર્તાવ્યો છે. મોનસૂનમાં મધ્ય મહારાષ્ટ્રનો અમુક ભાગ, મરાઠવાડા, વિદર્ભના અમુક ભાગમાં મોનસૂન પહોંચી ગયું હોવાની જાહેરાત હવામાન ખાતાએ કરી હતી. આગામી ૨૪ કલાકમાં મધ્ય અરબી સમુદ્ર, ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં મોસમી પવનો દાખલ થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે બપોરે ૧ વાગ્યા સુધી કોંકણ અને ગોવાના વિવિધ વિસ્તારમાં ૪ સે.મી.થી ૮ સે.મી. સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં ૩ સે.મી.થી ૧૩ સે.મી. અને મરાઠવાડામાં ૩ સે.મી.થી ૧૧ સે.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. અરબી સમુદ્રના સમાંતર હળવા દબાણનો પટ્ટો નિર્માણ થતા રવિવારે તીવ્રતા વધી હતી. પરિણામે ૨૪થી ૨૬ જૂન દરમિયાન આ ઠેકાણે ધોધમાર વરસાદ પડશે તેવા અંદાજ પડશે તેવી શક્યતા હવામાન ખાતાએ વર્તાવી છે.

બુલઢાણામાં વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાયો

એક ઘર ઉપર તોતિંગ ઝાડ પડતા માતા અને બે બાળકોના મોત

વૃક્ષને ક્રેઇનની મદદથી હટાવ્યા બાદ ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા

મૂશળધાર વરસાદની સાથોસાથ સુંસવાટાભેર પવન ફૂંકાતા ેક ઘર વૃક્ષ તૂટી પડવાની દુર્ઘટના શનિવાર રાત્રે બુલઢાણા જિલ્લાના ખામગાંવ તાલુકાના ઘાટપુરીમાં બની હતી. આ દુર્ઘટનામાં માતા અને બે બાળકો એમ મળીને ત્રણ જણે જીવ ગુમાવ્યો હતો.

ઘર પર પડેલા ઘટાદાર વૃક્ષને ક્રેઇનની સહાયતાથી ઉપાડી લીધું હતું. અને ત્યાર બાદ ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. 

ઘાટીપુરીના આનંદ નગરમાં ગુણવંત હિરકર નામના પરિવારના પતરાના શેડ ધરાવતા ઘર પર વૃક્ષ તૂટી પડયું હતું. તે વેળા ઘરમાં શારદા ગુણવંત હિરકર (૨૮ વર્ષ), સૃષ્ટિ ગુણવંત હિરકર (૩ વર્ષ) અને ઋષિકેશ ગુણવંત હિરકર હજાર હતા. વૃક્ષ પડતાં ત્રણેય જણ મૃત્યુ પામ્યા હતા.

પોલીસ અને નાગરિકોએ ક્રેઇનની સહાયતાથી વૃક્ષ ઉપાડયા બાદ ત્રણેયને બહાર કાઢ્યા હતા. આ ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતાં બે બાળકો સહિત માતા એમ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 

આ  દુર્ઘટના વખતે ગુણવંત હિરકર પોતાની હોટેલમાં હતા અને તેમનો જીવ બચી ગયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J2a885
via Latest Gujarati News

Post a Comment

0 Comments