
(પીટીઆઈ) પટના, તા.24 જૂન, 2019, સોમવાર
બિહારમાં ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં ૧૭૦ બાળકોના મોત થયા છે અને તે સિવાય અનેક બાળકો વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મનોહર પ્રતાપ અને સનપ્રીત સિંહ અજમાનીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને સરકારી સિસ્ટમ ચમકી તાવનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાનો દાવો કર્યો હતો.
બુધવારે કોર્ટે આ મામલે સુનાવણી કરવા મંજૂરી દર્શાવી હતી અને સોમવારની સુનાવણી દરમિયાન કોર્ટે બિહાર સરકાર પાસેથી સાત દિવસની અંદર જવાબની માંગ કરી હતી. આ ઉપરાંત કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવીને જરુરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. અરજીમાં ડોક્ટર્સ, મેડિકલ સુવિધા અને બાળકો માટેના આઈસીયુની તંગીને કારણે બાળકોના મોત થતા હોવાનો દાવો કરીને તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં અરજીના માધ્યમથી બિહાર સરકારને મેડિકલ સુવિધાઓમાં વધારો કરવાનો આદેશ આપવા અને કેન્દ્ર સરકારને જરુરી એક્શન લેવા નિર્દેશ કરવાની અપીલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ચમકી તાવના કારણે ટપોટપ મરી રહેલા બાળકોની ઘટનાને ગંભીરતાથી લીધી હતી તથા બિહાર અને ઉત્તર પ્રદેશની સરકારને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો. અરજીકર્તાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે દર વર્ષે થતા હજારો બાળકોના મોતનો હવાલો આપીને પીડિતના પરિવારને ૧૦ લાખ રુપિયાનું વળતર કરવાની અપીલ પણ કરી હતી.
સુુપ્રીમ કોર્ટે બિહાર અને ઉત્તર પ્રદેશની સરકાર પાસેથી એક્યુટ ઈન્સેફેલાઈટીસ સિન્ડ્રોમથી પીડાતા બાળકોના ઈલાજ માટે સાર્વજનિક સ્વાસ્થ્ય, પોષણ અને સ્વચ્છતા સંબંધી સુવિધાઓના વિવરણની સીલબંધ કવરમાં માંગ કરી છે. બિહારમાં છેલ્લા એક મહિનાથી ચમકી તાવને લઈ હાહાકાર મચેલો છે અને મુઝફ્ફરપુર જિલ્લામાં સૌથી વધારે ૧૨૮ બાળકોના મોત થયા છે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલે ચુપકિદી સાધી છે.
અરજીમાં આંતરિયાળ વિસ્તાર સુધી તબીબી સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર બિહાર સરકારને તજજ્ઞાો સહિત ૫૦૦ સ્ટેશનરી અને ૧૦૦ મોબાઈલ ઈન્ટેન્સિવ કેર યુનિટ પૂરા પાડે તેવી માંગ કરવામાં આવી હતી. ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન બિહારમાં ચમકી તાવના ૪૪,૦૦૦ કેસ અને ૬,૦૦૦ જેટલા મોત નોંધાયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXYCKE
via Latest Gujarati News
0 Comments