ગુપ્તા પરિવારના શાહી લગ્ન પછી ઉત્તરાખંડના ઔલીમાં કચરાનો ગંજ ખડકાયો


દહેરાદૂન, તા.24 જૂન, 2019, સોમવાર

સાઉથ આફ્રિકામાં રહેતા ગુપ્તા બંધુઓના ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરાખંડના ઔલીમાં લગ્ન થયા હતા. લગ્ન પછી ચોમેર કચરાના ગંજ ખડકાયા છે એટલે સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં, ચાર હજાર કિલો કચરો હટાવવા અલગથી ટીમ તૈનાત કરવી પડી હતી.

ઔલીમાં યોજાયેલા ગુપ્તા પરિવારના લગ્નમાં સેલિબ્રિટીઝ ઉપટી પડયા હતા અને ૨૦૦ કરોડના ખર્ચે થયેલા આ લગ્નની ચર્ચા આખું સપ્તાહ ચાલી હતી, પરંતુ લગ્ન પૂરા થયા પછી હવે કચરાના ઢગલા ખડકાયા હોવાથી સ્થાનિક સરકારી બોડી માટે નવી સમસ્યા સર્જાઈ છે. પાણીની બોટલ, પ્લાસ્ટિકના પેકેટ્સ અને એ સિવાયનો ચાર હજાર કિલો કચરો ઔલીમાં ખડકાયો હોવાથી પર્યાવરણને તો ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે, પરંતુ સાથે સાથે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશને આ કચરો સાફ કરવા માટે ૨૦ સભ્યોની ટીમ બનાવવી પડી છે અને દિવસો સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે ત્યારે આ કચરો સાફ થશે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ધનાઢ્ય પરિવારે લગ્ન તો પૂરા કર્યા અને મહેમાનોને આંજી દેવા માટે બધું જ કર્યું, પરંતુ સ્થાનિકોને પડેલી મુશ્કેલી અને પર્યાવરણને થયેલા નુકસાનની જવાબદારી કોણ લેશે? સરકારે આયોજનોને દંડ કરવો જોઈએ એવી માગણી ઉઠી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X7L0Xp
via Latest Gujarati News

Post a Comment

0 Comments