ઝારખંડમાં ચોરીના આરોપસર યુવક સાથે મારપીટ, હોસ્પિટલમાં મોત


(પીટીઆઈ) જમશેદપુર, તા.24 જૂન, 2019, સોમવાર

ઝારખંડમાં એક મુસ્લીમ યુવક સાથે મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. ખરસવાંમાં ટોળાએ મોટરસાઈકલની ચોરીના આરોપસર ૨૪ વર્ષીય તબરેજ અંસારી પર હુમલો કર્યો હતો અને પોલીસને સોંપતા પહેલા ૧૮ કલાક સુધી તેના સાથે મારપીટ કરવામાં આવી હતી.

 ત્યાર બાદ યુવકને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉશ્કેરાયેલા લોકો તબરેજને થાંભલા સાથે બાંધીને ડંડા વડે માર મારતા જોઈ શકાય છે. 

ટોળા હિંસાના મુખ્ય આરોપી પપ્પુ મંડલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓને પકડવા તપાસ શરુ કરી દેવામાં આવી છે. ટોળાંએ ૧૮ જૂનના રોજ તબરેજની સોંપણી પોલીસને કરી દીધી હતી અને તબરેજના ઘરેથી અન્ય ચોરાયેલી વસ્તુઓ પણ મળી આવી હતી.

૨૧ જૂનના રોજ તબરેજે બેચેનીની ફરિયાદ કરતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વીડિયોમાં અમુક લોકો પીડિતને 'જય શ્રી રામ' અને 'જય હનુમાન' બોલવા વિવશ કરતા જોઈ શકાય છે જેથી પોલીસે અજ્ઞાાત આરોપીઓ વિરુદ્ધ સાંપ્રદાયિક ભાવના ભડકાવવાનો કેસ નોંધીને તપાસ માટે ખાસ ટીમ રચી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lgp7h9
via Latest Gujarati News

Post a Comment

0 Comments