
- કચરાની પ્રક્રિયા અને વેચાણમાંથી માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલે બે લાખ રુપિયાની આવક કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 7 જૂન 2019, શુક્રવાર
રાજ્યમાં સૌપ્રથમ કચરા મુક્ત હિલ સ્ટેશન તરીકેનું માન માથેરાને મેળવ્યું છે. મ્યુનિસિપલ કાઉન્સિલે તેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરી તેને પ્લેગ્રાઉન્ડમાં રુપાંતરિત કરવાનું શરુ કર્યું છે.
માથેરાન હિલ સ્ટેશન મ્યુનિસિપલ કાઉન્સિલે થ્રી-ટાયર ગાર્બેજ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળતા મેળવી છે. જેમાં ભીનો કચરો બાયોગેસ પ્લાન્ટમાં તો સૂકો કચરો ક્રશ કરીને વેચી દેવાય છે, જ્યારે સેનિટરી નેપકિન્સ જેવા મેડિકલ કચરાઓને અલગથી વિધટિત કરવામાં આવે છે.
હવે અહીં ડમ્પિંગ ગ્રાઉન્ડની જરુર રહી નથી. કારણ વિવિધ સ્થળોએથી જમા થતાં કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરી તેનો નિકાલ કરવામાં આવે છે. જોકે ઘર તેમજ હૉટેલમાંથી નીકળતો નકામો ભીનો કચરો સીધો બાયોગેસ પ્લાન્ટમાં મોકલાય છે. જે હિલ સ્ટેશનની આશરે ૫૦૦ સ્ટ્રીટ લાઈટ અને એક જનરેટર સાથે જોડાયેલ છે. આ પ્લાન્ટમાં ૨.૫ મેટ્રીક ટન કચરા પર પ્રક્રિયા થઈ શકે છે.
પુનઃપ્રક્રિયા કરી શકાય તેના કચરામાં કાચ, પ્લાસ્ટિકની બોટલો, પેપર વગેરે ક્રશ કરી તેને રીસાઈકલિંગ માટે મોકલી દેવાય છે. અહીંના મ્યુનિસિપલ કમિશને ધોડાના છાણ જમા કરી તેને બાયોગેસ પ્લાન્ટમાં મોકલવાનું શરુ કર્યું છે, જેથી વધુ મિથેન ગેસ મળી રહે અને ઈલેક્ટ્રિસિટીમાં પણ વધારો થાય. મ્યુનિસિપલ કાઉન્સિલને આ નકામા કચરાના વેચાણમાંથી બે લાખ રુપિયાની આવક થઈ છે, જેમાં ૫૦,૦૦૦ જેટલી કિંમત તો રીસાઈકલ કરી શકાય તેવા કચરામાંથી પ્રાપ્ત થઈ છે.
આથી આ હિલ સ્ટેશન અત્યારે કચરાને દૂર કરી સ્વચ્છતા સાથે આર્થિક કમાણી તો કરી જ રહ્યું છે, ઉપરાંત ત્યાંનુ વાતાવરણ પણ કચરો દૂર થવાથી શુદ્ધ બની રહ્યું છે. આથી આ હિલસ્ટેશનની આ કામગિરીના અત્યારે તમામ સ્તરેથી વખાણ થઈ રહ્યાં છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wHxUQK
via Latest Gujarati News
0 Comments