અમરનાથ યાત્રાનો પ્રારંભ, એક લાખ ભાવિકોનુ રજિસ્ટ્રેશન, હાઈટેક સુરક્ષા વ્યવસ્થા

શ્રીનગર, તા. 30 જૂન 2019, રવિવાર

હિન્દુ ભાવિકો માટે મહત્વની એક અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધી યાત્રા માટે એક લાખ કરતા વધારે ભાવિકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આજથી 46 દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલશે.

આજે જમ્મૂથી અમરનાથ યાત્ર માટેની ભાવિકોની પહેલી ટુકડી રવાના થઈ હતી. જે પહેલગાંવ અને બાલતાલ રૂટથી અમરનાથ પહોંચશે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકારે લીલી ઝંડી બતાવીને યાત્રાળુઓની પહેલી ટુકડીને રવાના કરી હતી. આ સમયે હર ..હર...મહાદેવના નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ.

અમરનાથ યાત્રાના રૂટ પર આતંકવાદીઓ નાપાક હરકત ના કરે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટાભાગની જવાબદારી સીઆરપીએફના જવાનોએ સંભાળી છે. તેની સાથે સાથે જમ્મુ કાશ્મીર પોલીસ અને બીજી સુરક્ષા એજન્સીઓ અને સેનાએ પણ મોરચો સંભાળી લીધો છે.

યાત્રાના રૂટ પર ભૂસ્ખલનનો ખતરો પણ રહેતો હોવાથી આ વખતે સુરક્ષા માટે માઉન્ટેન રેસ્ક્યુ ટીમો પણ બનાવવામાં આવી છે. આ વખતે અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી દરેક યાત્રીનુ લોકેશન જાણી શકાશે. આ સિવાય યુએવી, ડ્રોન અને સીસીટીવીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XBsead
via Latest Gujarati News

Post a Comment

0 Comments