ફ્લાઈટમાં ઊંઘી ગયેલી મહિલા જાગી ત્યારે વિમાન પાર્કિંગમાં પડયું હતું!


નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર

એર કેનેડાની એક પેસેન્જરે ફેસબુકમાં પોતાનો કિસ્સો લખ્યો હતો, એ પ્રમાણે એ ચાલુ ફ્લાઈટે ઊંઘી ગઈ હતી પરંતુ જ્યારે આંખ ખૂલી તો તેનું વિમાન પાર્કિંગમાં પડયું હતું અને તે અંધારામાં વિમાનમાં બંધ થઈ ગઈ હતી. તેણે રાત દરવાજા પાસે બેસીને પસાર કરી.

એર કેનેડાની ફ્લાઈટમાં બેસીને ટોરંટો જઈ રહેલી ટિફ્ની એડમ્સે ફેસબુક ઉપર પોતાના પ્રવાસનો ભયાનક અનુભવ શેર કર્યો હતો. વિશ્વભરમાં વાયરલ બનેલા એ અનુભવ પ્રમાણે ટિફની ચાલુ ફ્લાઈટે ઊંઘી ગઈ હતી.

તેને એમ કે ફ્લાઈટ ઉતરશે ત્યારે તેની ઊંઘ ઉડી જશે. પરંતુ કોઈ કારણસર તેની ઊંઘ ન ઉડી અને ક્રુ મેમ્બર્સે પણ તેને જગાડી નહીં. જ્યારે તેની આંખ ખૂલી ત્યારે તે ભયાનક અંધારાની વચ્ચે વિમાનમાં બંધ હતી અને વિમાન પાર્કિંગમાં પડયું હતું.

વિમાન ઉતર્યું, બધો કોલાહલ થયો અને તે પછી વિમાન પાર્કિંગમાં પહોંચ્યું ત્યાં સુધી સૂતેલી ટિફની કોઈના ધ્યાનમાં ન આવી. રાત્રે જાગી ત્યારે તે ભયાનક સ્થિતિમાં હતી. તેના મોબાઈલની બેટરી તો ચાલુ વિમાને જ ઓછી હતી અને બેટરી લો થઈ જવાથી મોબાઈલ બંધ થઈ ચૂક્યો હતો. તે મદદ માટે પણ કોઈને કોલ કરી શકે એવી સ્થિતિમાં ન હતી.

આખરે તેણે કોકપિટ સુધી ચાલીને જેમ-તેમ કરીને ટોર્ચ મેળવી. મુખ્ય દરવાજા પાસે આવીને જોયું તો જણાયું કે દરવાજો ૫૦ ફૂટ ઊંચો છે એટલે કેમેય કરીને નીચે ઉતરી શકાય તેમ ન હતું. આખરે તેણે દરવાજા પાસે બેસીને રાત વીતાવી. ફેસબુકમાં ટિફનીએ લખ્યું હતું કે હું હવે વિચારું છું તો પણ મને ડર લાગે છે. એ દૃશ્ય ખૂબ ભયાનક હતું.

મને લાગ્યું કે જાણે મેં કોઈ ખરાબ સપનું જોયું. હું સમજી નહોતી શકતી કે આવું કેવી રીતે થઈ શકે. કલાકો સુધી તેણે ટોર્ચથી અન્ય કોઈનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી. આખરે દૂરથી એરલાઈન્સના એર કર્મચારીનું ધ્યાન પડયું અને પછી ટિફનીને બહાર કાઢવામાં આવી. મહિલાએ કહ્યું હતું કે આ એરલાઈન્સની પણ બેદરકારી છે.

એરલાઈન્સે તેનો કિસ્સો જાણ્યો પછી માફી માગી હતી, પરંતુ મહિલાએ કહ્યું હતું કે એ ઘટના યાદ આવતી હોવાથી તે રાતે ઊંઘી શકતી નથી. તેનો આ કિસ્સો વિશ્વભરમાં વાઈરલ થયો હતો અને લોકોએ વિમાની મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જોઈએ એવો મત વ્યક્ત કરવાની સાથે એરલાઈન્સના ક્રુમેમ્બર્સની બેદરકારીની ટીકા પણ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2NderCR
via Latest Gujarati News

Post a Comment

0 Comments