મત મોદીને અને પ્રશ્નોના ઉકેલ મારે શોધવાના? : કુમારસ્વામી રાતા-પીળા


બેંગાલુરૂ, તા. 26 જૂન, 2019, બુધવાર

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ આજે રાયચુર જિલ્લામાં એમના વાહનોના કાફલા સામે દેખાવો કરી રહેલા થર્મલ પાવર પ્લાન્ટના કર્મચારીઓને ઝાટકી નાખતા નવો વિવાદ ઉભો થયો છે. ''તમે જ્યારે ચૂંટણીમાં મત ભાજપને આપ્યા છે તો પછી તમારાં પ્રશ્નોના ઉકેલ માટે મને શું કામ મળવા આવ્યા છો એવો સવાલ ગુસ્સે થયેલા મુખ્ય પ્રધાને દેખાવકારોને પૂછ્યો હતો.

પોતાના ગ્રામ મુલાકાત કાર્યક્રમના દ્વિતીય ચરણમાં આજે રાયચુર જિલ્લાના માન્વિ તાલુકાના કારેગુડ્ડા ગામે જઇ રહેલા મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીની બસ સામે યેરમારૂસ થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓએ દેખાવો કર્યા હતા અને એમના વિરૂધ્ધ સૂત્રો પોકાર્યા હતા.

દેખાવકારો પર ગુસ્સે થયેલા એચ.ડી. કુમાર સ્વામીએ કથિત પણે મોદીને મત આપનારા કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે ''હું પોલીસને બોલાવીને લાઠીચાર્જ કરવા કહીશ. તમે મત મોદીને આપો છો અને પછી હું તમારાં પ્રશ્નો ઉકેલું એવી આશા રાખો છો.

આ ઘટનાથી રાજ્યમાં હલચલ મચી હતી. વિપક્ષ ભાજપે એને વખોડી કાઢીને મુખ્ય પ્રધાનની વર્તણુકની ટીકા કરી હતી. અગાઉ, દિવસ દરમ્યાન યેરમારુસ સરકિટ હાઉસ ખાતે કુમારસ્વામીએ પત્રકારો સમક્ષ બધા વિકાસકાર્યો દક્ષિણ કર્ણાટકના થોડાક જિલ્લાઓમાં જ કરાતા હોવાનો એમના પર આક્ષેપ કરનારા ભાજપને વખોડયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xbkuwT
via Latest Gujarati News

Post a Comment

0 Comments