
80 ઘાયલ: તંત્રની ઘોર બેદરકારી : મલાડમાં અન્ય ઘટનામાં સ્કોર્પિયો કાર પાણીમાં ગરકાવ થતાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત

પૂણેમાં મજૂરો પર દિવાલ ધસી પડતાં છનાં મોત, કલ્યાણમાં પણ ત્રણનાં મોત, અનેક ઘાયલ
હજુ ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર દોડતું થયું

203થી વધુ ફ્લાઇટ રદ જ્યારે 53થી વધુને ડાયવર્ટ કરાઇ, 350 ફ્લાઇટ મોડી: 20 ટ્રેનોને રદ કરાઇ, અનેકને મુંબઇમાં પ્રવેશતા અટકાવાઇ
મુંબઇ/નવી દિલ્હી, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વરસાદનો કેર જારી રહ્યો, સૌથી વધુ અસર મુંબઇમાં જોવા મળી, મુંબઇમાં એક જ દિવસમાં પડેલા ૧૩ ઇંચ ભારે વરસાદને કારણે ૩૨ લોકોના મોત નિપજ્યા હતા. અહીંના મલાડમાં એક મોટી દિવાલ પડી જતા ૨૨ લોકોના દટાઇ જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે ૮૦થી વધુ લોકો ઘવાયા છે.
દિવાલો ધસી પડવાની ઘટનાઓ મહારાષ્ટ્રમાં અન્ય શહેરોમાં પણ સામે આવી છે જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે. પૂણેમાં અંબેગાવ વિસ્તારમાં પણ દિવાલ પડી હતી જેને પગલે છ મજૂરોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક ઘવાયા છે જેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા. મુંબઇમાં મલાડમાં પાણીમાં જ એક સ્કોર્પિયો ગાડી ડુબી ગઇ જેને પગલે બે લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા.
મુંબઇ, પૂણેની ઘટનાઓમાં એક જ દિવસમાં ૩૫ લોકો માર્યા ગયા છે. મુંબઇમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડયો છે જેને પગલે જનજીવન પર ભારે અસર પડી છે. રેલવે, હવાઇ મુસાફરી પણ ઠપ્પ પડી રહી છે. અનેક બસોને રદ કરી દેવાઇ છે.
મુંબઇના શિવાજી આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર આવતી જતી આશરે ૫૪ જેટલી ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે જ્યારે ૨૦૩ ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે.
મુંબઇમાં મલાડમાં ઝુપડા પાસે આવેલી પાલિકાની એક મોટી દિવાલ ધસી પડી હતી, જેને પગલે આ દિવાલ સીધી નજીક આવેલા ઝુપડાઓ પર ધસી પડી હતી. રાત્રે જ્યારે લોકો સુતા હતા ત્યારે જ આ ઘટના બની હતી, પરીણામે મોટી જાનહાની સર્જાઇ છે. જ્યારે પૂણેમાં પણ જે છ લોકો માર્યા ગયા તે મજૂર છે, આવી જ અન્ય એક ઘટના થાણેના કલ્યાણમાં બની હતી જેમાં ત્રણ માર્યા ગયા હતા.
હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતી ભારે વરસાદ મુંબઇમાં પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ચાર અને પાંચ જુલાઇએ પણ ભારે વરસાદ પડી શકે છે. હવાઇ ઉપરાંત રેલ વ્યવહાર પણ ખોરવાયો છે.
અનેક રેલવે સ્ટેશનો અને પાટા પર પાણી ભરાઇ જવાથી અધવચ્ચે જ હજારો મુસાફરો ફસાઇ ગયા હતા જેને આરપીએફ જવાનોની મદદથી સુરક્ષીત નિશ્ચિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. મધ્ય અને પશ્ચિમ રેલવેએ લાંબા રુટની આશરે ૨૦થી વધુ ટ્રેનોને રદ કરી દીધી છે. જ્યારે અનેક ટ્રેનોને મુંબઇથી બહાર જ સ્ટેશનો પર રોકી લેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વિજળી પૂર્વઠો બંધ કરી દેવાયો છે તો કેટલાકમાં ખોરવાયો છે.
દર વર્ષે દિવાલો ધસી પડવાની ઘટનામા અનેક લોકો માર્યા જાય છે અને તેમાં મોટા ભાગના ગરીબ મજૂરો અને ઝુપડામાં રહેતા લોકો હોય છે. તેમ છતા તંત્રના પેટનું પાણી નથી હલતું, હાલ મુંબઇના મલાડમાં જે ઘટના બની છે તેનાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જર્જરીત દિવાલોને લઇને કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xt8SVH
via Latest Gujarati News
0 Comments