
નાણાંમંત્રી નીતિન પટેલે લાંબાગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતું 285 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું
રાજ્યનું જાહેર દેવું જીડીપીના 15.69 ટકા: 430 કરોડના વેરાબોજ નાખતાં 2019-20ના વર્ષના બજેટમાં રૂા.1,54,732 કરોડની મહેસૂલી આવકનો અંદાજ
'નલ સે જલ'ની મહત્વાકાંક્ષી યોજના: વીજ જોડાણ માટેની ખેડૂતોની 1.25 લાખ અરજીઓનો એક વર્ષમાં નિકાલ કરશે
અષાઢી બીજથી ખેતી માટે પાણી અપાશે
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર
ગુજરાત સરકારે પ્રજાજનો પર અંદાજે રૂા.૪૩૦ કરોડના વેરાનો બોજ નાખતું ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ માટેનું ફેરફાર કરેલું અંદાજપત્ર નાયબ મુખ્યમંત્રી- નાણાંમંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું છે.
બજેટમાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ ધારકોને માથે વીજકરનો રૂા.૨૭૦ કરોડનો બોજ નાખ્યો છે. આ જ જુદાં જુદાં હેતુઓ માટે વાપરવામાં આવતા સ્ટેમ્પના મૂલ્યમાં વધારો કરીને રૂા.૧૬૦ કરોડનો બોજ નાખ્યો છે. ગુજરાત સરકારનું પબ્લિક ડેટ-જાહેર દેવું જીડીપીના ૧૫.૬૯ ટકા જેટલું છે. જે ૨૦૧૮-૧૯ના વર્ષના ૧૬.૦૩ ટકા કરતાં ઓછું છે.
આ દેવું ત્રણ ટકાની નિશ્ચિત મર્યાદાથી ઉપર જતું જ ન હોવાની જાહેરાત નાણાં મંત્રી નીતિન પટેલે કરી હતી. બીજી તરફ ખેડૂતોના ૧.૨૫ લાખ જેટલા વર્ષોથી પેન્ડિંગ રહેલા વીજજોડાણો આગામી એક વર્ષમાં કોઈપણ જાતની શરત વિના જ આપી દેવાનો નિર્ણય પણ સરકારે લીધો છે.
નર્મદાના કમાન્ડ વિસ્તારના ખેડૂતોએ વારંવાર કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આગામી અષાઢી બીજથી ખેડૂતોને પાણી આપવાની જાહેરાત પણ નીતિન પટેલે કરી હતી. તેમ જ હર હાથ કો કામની તેમની યોજનાના માધ્યમથી આગામી ત્રણ વર્ષમાં ૧૫ લાખ યુવાનોન નોકરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હર હાથ કો કામની સરકારની ઝુંબેશના ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૧૮ લાખ યુવક-યુવતીઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં વધુ ૬૦,૦૦૦ યુવાનોને રોજગારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ૭૦,૦૦૦ નવા સખી મંડળો બનાવીને બહેનોને સ્વરોજગારી મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ જ રીતે વિવિધ યોજનાઓના માધ્યમથી ૧૫ લાખ યુવાનોને રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ેનાણાં મંત્રી નીતિન પટેલે આજે રૂા.૨૮૫ કરોડની પુરાંત દર્શાવતું રૂા. ૨.૦૪,૮૧૫ કરોડના કદનું ફેરફાર કરેલા અંદાજ સાથેનું ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું છે.
આ બજેટના કદમાં ૨૦૧૮-૧૯ના સુધારેલા અંદાજ કરતાં રૂા.૧૫,૩૭૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત સરકારે સતત આઠમીવાર પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં રૂા.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં ખાધની રકમ કુલ જીડીપીના ૧.૮૪ ટકા રહેવાનો અંદાજ છે.
આ બજેટમાં રૂા. ૧,૨૭,૫૬૦ કરોડનો વિકાસલક્ષી ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તેમાં બિનવિકાસલક્ષી ખર્ચ રૂા. ૭૪,૮૫૭ કરોડનો છે. આમ વિકાસલક્ષી અને બિનવિકાસ લક્ષી ખર્ચ વચ્ચે રૂા. ૫૨.૭૦૩ કરોડનો ગાળો છે.
વિકાસલક્ષી ખર્ચમાંથી ૫૬ ટકા ખર્ચ સામાજિક ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં ગુજરાત સરકારની મહેસૂલી આવક ૧૦ ટકાના વધારા સાથે રૂા. ૧,૫૪,૭૩૨ કરોડની થવાનો અંદાજ મૂકવામા આવી રહ્યો છે.
ગુજરાતના જળની સમસ્યાને હળવી કરવા માટે આગામી પાંચ વર્ષમાં દરેક ઘરમાં નળથી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સુવિધા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ૨૦૨૨ની સાલ સુધીમાં અત્યારે ઘર સુધી નળ મારફતે પાણી ન મેળવતા ઘરમાં નળથી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે આગામી પાંચ વર્ષમાં રૂા.૨૦,૦૦૦ કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના બજેટમાં આ વરસે તેને માટે રૂા.૪૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી ગત વર્ષ કરતાં ૩૬ ટકા વધારે છે.
પર્યાવરણના પ્રદુષણને હળવું કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગુજરાતમાં લોકો સોલાર પાવર પેનલ લગાવે તે માટે સોલાર રૂફટોપ યોજના જાહેર કરવામાં આવી છે. સોલાર રૂફટોપની યોજના હેઠલ ગ્રીન ક્લિન અને સસ્તી વીજળી મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ ૩ કિલોવોટ સુધીની જ સિસ્ટમ બેસાડનારાઓને ૪૦ ટકાની માતબર સબસિડી આપવામાં આવશે. તેમ જ ૩થી ૧૦ કિલોવોટની સિસ્ટમ બેસાડનારાઓને ૨૦ ટકાની સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ સબસિડી આપવા માટે રૂા.૧૦૦૦ કરોડની બજેટના માધ્યમથી જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણા મંત્રીએ જણાવ્યું છે.
પર્યાવરણના જતન માટે જ જેતપુરના હજારો ઉદ્યોગોને દૂષિત પાણી શુદ્ધ કરીને ઊંડા દરિયામાં છોડી દેવા માટે પીપીપીના ધોરણે પાઈપલાઈન નાખીને નદીમાં થતું પ્રદુષણ અટકાવવામાં આવશે. રૂા.૨૨૭૫ કરોડની આયોજના માટે આ વર્ષના બજેટમાં રૂા. ૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XKQsiq
via Latest Gujarati News
0 Comments