વેનેઝુએલામાં રાજધાની કારાકાસ સહિત 17 રાજ્યોમાં અંધારપટ છવાયો


વિદ્યુત વિભાગમાં સંસાધનોની તંગી

(પીટીઆઈ) કારાકાસ, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

વીજળીનો પુરવઠો ઠપ્પ થઈ જવાના કારણે સોમવારે વેનેઝુએલામાં અંધારૂ છવાઈ ગયું હતું. સ્થાનિક સમય અનુસાર સાંજે 4:40 કલાકે વીજળીનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે રાજધાની કારાકાસ સહિત આશરે 17 જેટલા રાજ્યો પ્રભાવિત થયા હતા.

વીજળીના અભાવના કારણે ટેલિફોન સેવા, પરિવહન સેવા, લાઈટ તથા અન્ય પાયાની સેવાઓને પણ અસર પહોંચી હતી. સોશિયલ મીડિયામાં કારાકાસના કેટલાક લોકો ચાલીને પોતાના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા હોય તેવી પોસ્ટ પણ શેર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત સાત માર્ચના રોજ પણ વેનેઝુએલામાં વીજળીનો પુરવઠો ઠપ્પ થઈ જવાના કારણે દેશભરમાં અંધારૂ છવાઈ ગયું હતું. સરકારી વિદ્યુત વિતરણ કંપની કોર્પોઈલેકે કારાકાસના પ્રભાવિત વિસ્તારોમાં વીજકાપના સમાચાર જાહેર કર્યા હતા.

માર્ચ મહિના બાદ પ્રથમ વખત વેનેઝુએલામાં આટલા વ્યાપક સ્તરે વીજ સેવા ખોરવાઈ હતી. અગાઉ વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ વીજકાપ માટે વિપક્ષ અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. નોંધનીય છે કે, વેનેઝુએલા હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશમાં જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ અને દવાઓની ભારે તંગી વર્તાઈ રહી છે. 

વિપક્ષ દળો ઉપરાંત વીજ ઉત્પાદન અને વિદ્યુત વિભાગ અંગેની ઝીણવટભરી માહિતી રાખતા તજજ્ઞોએ દેશમાં વીજકાપ માટે સરકાર જવાબદાર હોવાનો દાવો કર્યો હતો. વિશેષજ્ઞાોના મતે ઘણા લાંબા સમયથી દેશનો વીજ વિભાગ સંસાધનોની તંગીનો સામનો કરી રહ્યો છે અને વિદ્યુત વિભાગનું આધુનિકીકરણ કરવામાં ન આવ્યું હોવાથી તેનું માળખું હવે નબળું પડી ગયું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Mb1Zw
via Latest Gujarati News

Post a Comment

0 Comments