
નવીદિલ્હી, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
બિહારમાં આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ નોંધનીય ઘોષણા કરતા જણાવ્યું છે કે 2020ની વિધાનસભા ચૂંટણી નીતિશકુમારના નેતૃત્વમાં લડીશું. સુશીલકુમાર મોદીએ અન્ય તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા વિધાનસભામાં એમના ભાષણ દરમિયાન આમ કહ્યું છે. અલબત્ત,કેન્દ્રીય નેતૃત્વ એમના આ નિવેદન સાથે કેટલું સંમત થાય છે એ જોવાનું રહે છે.
અગાઉ, ગયા વર્ષે પણ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું હતું કે મુખ્યમત્રી નીતિશકુમાર એમના મોટા ભાઇ છે, જેનો અર્થ એ હતો કે બિહારમાં ગઠબંધનમાં જે.ડી.(યુ)ની ભૂમિકા મોટી છે. બિહારી પ્રજા ભાજપ, જે.ડી. (યુ) અને એલજેપીના મોરચાને પસંદ કરે છે, એમ એમણે ઉમેર્યું હતું.
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીનું ઉપરોક્ત તાજું નિવેદન એવા સમયે કરાયું છે કે જ્યારે મુખ્યમંત્રી નીતિશકુમાર અને એમના મંત્રી મંડળનાં સભ્યોએ એમની સંપતિની વિગતો પ્રસિધ્ધ કરી છે.
નીતિશકુમારે 2005 માં મુખ્યમંત્રી બન્યા પછી આ નવી પંરપરાનો પ્રારંભ કર્યો છે, જેમાં પ્રત્યેક નવા વર્ષના પ્રથમ દિવસે એ પોતાની તેમજ એમના મંત્રી મંડળના બધા સાથીદારોની સંપતિની વિગતો પ્રજા સમક્ષ રજૂ કરે છે.
આ વખતે પણ આ પ્રથાનુ પાલન કરતાં નીતિશકુમાર અને એમના મંત્રીમંડળના સભ્યોએ ગઇ તા.1 જાન્યુઆરીએ એમની સંપત્તિની વિગતો લોકો સમક્ષ રજૂ કરી હતી. બિહાર સરકારની વેબસાઇટ પર નીતિશકુમાર સહિત રાજ્યના બધા મંત્રીઓની સંપત્તિની વિગતો રજૂ કરવામાં આવી છે. આ વખતે રજૂ કરાયેલી સંપતિની યાદીમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, મુખ્યમંત્રી નીતીશકુમાર કરતાં વધુ ધનવાન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y73XoE
via Latest Gujarati News
0 Comments