દેવામાં ડૂબેલી મહિલા દક્ષિણ કોરિયાની સૌથી વૃદ્ધ ફેશન મોડેલ બની


(પીટીઆઈ) નવીદિલ્હી, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

દક્ષિણ કોરિયાની રહેવાસી 77 વર્ષીય ચોઈ સૂન નામની મહિલાએ દેવાના બોજને હળવો કરવા માટે મોડેલિંગનું કામ શરૂ કર્યું છે. ચોઈ સૂન પહેલા હોસ્પિટલમાં કામ કરતા હતા અને ટીવી પર એક જાહેરખબર જોઈને તેમને મોડેલિંગ કરવાનો વિચાર આવ્યો હતો. સિયોલ ફેશન વીકમાં રેંપ પર વોક કર્યા બાદ ચર્ચામાં આવેલા ચોઈ ફેશન આઈકોન બનવાની સાથે જ દક્ષિણ કોરિયાના સૌથી વૃદ્ધ મોડેલ પણ બની ગયા છે.

ચોઈનું જીવન ખૂબ સંઘર્ષભર્યું હતું. આર્થિક તંગીમાં ઉછરેલા ચોઈને તેમના પતિએ છોડી દીધા હતા માટે બાળકોની જવાબદારી પણ તેમના માથે આવી પડી હતી. દેવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી તે હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને બાળકોનો ખર્ચ અને દેવું ચુકવવામાં તેમને ખૂબ મુશ્કેલી પડતી હતી. 

ચોઈએ જણાવ્યું કે, રોજીરોટી માટે અન્ય કોઈ સહારો ન હોવાથી તેમની કમાણીનો મોટો હિસ્સો દેવું ચુકવવામાં વપરાઈ જતો હતો અને કામના ભારણના કારણે તેમને ભોજન કરવાનો સમય પણ નહોતો મળતો. તે જિંદગીથી ખૂબ થાકી ગયા હતા પરંતુ એક જાહેરખબર જોયા બાદ તેમણે જીવન બદલવાનો નિર્ધાર કરી લીધો હતો.

જાહેરખબર જોયા બાદ તેમને મોડેલિંગ કરવાનો વિચાર આવ્યો હતો અને તમેણે મોડેલિંગ ક્લાસીસમાં અરજી કરીને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં તેમની ઉંમર વધારે હોવાથી અનેક લોકો તેમની મજાક ઉડાવતા હતા પરંતુ હવે બધા તેમના વખાણ કરી રહ્યા છે. હાલમાં અનેક કંપનીઓ તરફથી ચોઈને ઓફર્સ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32XLj6q
via Latest Gujarati News

Post a Comment

0 Comments