
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.23 જુલાઈ 2019, મંગળવાર
ભિવંડી સ્થિત કેમિકલ્સના ગોડાઉનમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. આગને નિયંત્રણમાં લેતાં અગ્નિશમન દળને લગભગ સાત કલાક લાગ્યા હતા. જો કે આગમાં ૬થી ૭ ગોડાઉન બળીને ખાખ થયા હતા. આગમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી.
મળેલી માહિતી અનુસાર ભિવંડી સ્થિત દાખોડા ગામ, અંજુર ફાટા પાસે પ્રેરણા કમ્પાઉન્ડ, ગાયત્રી કમ્પાઉન્ડમાં કેમિકલ્સના ગોડાઉનમાં આજે પરોઢિયે ૨.૩૧ કલાકે આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની જાણકારી મળતા થાણે અગ્નિશમન કેન્દ્રથી ૧ ફાયર એન્જિન તેમજ એક વોટર ટેન્કર, ભિવંડી અગ્નિશમન કેન્દ્રથી બે ફાયર એન્જિન અને બે વોટર ટેન્કર, કલ્યાણ અગ્નિશમન કેન્દ્ર એક વોટર ટેન્કર અને એક ફાયર એન્જિન લઇને ઘટના સ્થળે ધસી ગયા હતા. આ સિવાય મુંબઇ મહાનગર પાલિકાએ પણ એક ફાયર એન્જિન, ૧ ફોમ ટેન્ડર, એક જમ્બો વોટર પણ ઘટના સ્થળે મોકલાવ્યો હતો.
અગ્નિશમન દળના જવાનોએ યુદ્ધના ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ આખરે સવારે ૯.૧૦ કલાકે નિયંત્રણમાં આવી હતી. અત્યારે કુલીંગનું કામ શરૂ હોવાનું કંટ્રોલરૂમે જણાવ્યું હતું.
અહીં આગમાં ૬થી સાત ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા. જો કે આગમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી એમ ભિવંડીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32PDNu0
via Latest Gujarati News
0 Comments