
મુંબઇ, તા.19 જુલાઈ 2019, શુક્રવાર
ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ તાજેતરમાં બે ગ્રીક નાગરિક અને તેના અમૂક સહયોગીઓ સામે ભારતીયો સામે ૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ગુનો નોંધઅયો છે. આ બન્નેએ અમૂક પોન્ઝી સ્કિમ વહેતી મૂકી રોકાણકારો સાથે ઠગાઇ કરી હતી. કફ પરેડ પોલીસે આ સંદર્ભે એપ્રિલ મહિનામાં બંને ગ્રીક નાગરિકો સામે ગુનો નોંધ્યો હતો.
ગ્રીક નાગરિક નિકોલાસ કુનીસ (૩૮) અને તેનો સાગરિત કાલોસો કેન્ટીજીઓની (૪૦) ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં મુંબઇ આવ્યા હતા. આ લોકોએ કફ પરેડ ખાતે એક ઓફિસ લઇ કામકાજ ચાલુ કર્યું હતું. આ બન્નેએ કુશવાહા નામના એક ભારતીયને તેમની કંપનીનો ડાયરેક્ટર બનાવ્યો હતો. તેણે જ આ બન્ને નાગરિકો વિરુદ્ધ ષડયંત્ર રચવાની અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર આ ગ્રીક નાગરિકે ગ્લોબલ ઇન્ટરગોલ્ડ નામે એક સ્કિમ વહેતી મૂકી હતી જેમા રોકાણકારોને આકર્ષણ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. આ માટે સૌ પ્રથમ મેમ્બર બનનારે ૩૦,૭૫૦ રૂપિયાનું રોકાણ કરી અન્ય બે મેમ્બર બનાવવાના રહેતા. જો આ બે મેમ્બરો વ્યક્તિદીઠ વધુ બે મેમ્બર બનાવે તો મૂળ મેમ્બરને ૫૦૦ યુરો આપવાનું પ્રલોભન અપાતું.
ઇડીના એક અધિકારી અનુસાર આ બેલડી દ્વારા બનાવાયેલ સ્કીમમાં હજારો નાગરિકો જોડાયા હતા અને આ આંકડો ૫૦ કરોડની આસપાસ પહોંચી ગયો હતો. ઇડીને એવી શંકા છે કે આ બન્ને નાગરિકો તો ફક્ત મોહારા છે જ્યારે અમૂક બીજી વ્યક્તિઓ કૌભાંડ ચલાવી રહ્યા છે. આ પ્રકારની સ્કિમ બ્રાઝિલ, રશિયા, મલેશિયા જેવા દેશોમાં ચલાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બન્ને દિલ્હીમાં 'બિઝનેસ સેમિનાર' પણ લીધા હતા જેમાં એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
રોકાણકારોના પૈસા ત્રણ વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા જો કે આરોપી ગ્રિક નાગરિકોએ જ્યારે કુશવાહાને ૪૦ લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવાનું કહ્યું ત્યારે તેને શંકા ગઇ હતી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LZGsvi
via Latest Gujarati News
0 Comments