આ વર્ષે મુંબઈમાં ગયા ચોમાસામાં તૂટયાં તેના 70 ટકા જેટલાં વૃક્ષો બે સપ્તાહમાં ધરાશાયી


- છેલ્લાં બે અઠવાડિયામાં ૭૦૭ વૃક્ષો/ ડાળીઓ ભોંય ભેગાં થયાં જ્યારે ગયા આખા ચોમાસામાં આવી ૧૮૦૭ ઘટનાઓ બની હતી

મુંબઇ, તા. 30 જૂન 2019, રવિવાર

ચોમાસાના સત્તાવાર આગમાનના માત્ર બેજ દિવસમાં મુંબઈમાં વિક્રમજનક સંખ્યામાં વૃક્ષો/ ડાળીઓ ધરાશાયી થયાનું નોંધાયું છે. અહેવાલો મુજબ  પ્રથમ દોરના વરસાદમાં કુલ ૨૧૫ વૃક્ષો/ ડાળીઓ ભોંયભેગાં થઈ ગયા હતા.

હકીકત એ છે કે છેલ્લાં બે સપ્તાહમાં વૃક્ષો/ ડાળીઓ તૂટી પડવાની ૭૦૭ ઘટના નોંધાઈ છે. આથી પણ વધુ મહત્ત્વની બાબત એ  છે કે ગયા વર્ષના ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વૃક્ષો ધરાશાયી થવાની કુલ ઘટના નોંધાઈ હતી. તેના લગભગ ૭૦ ટકા જેટલી ઘટના છેલ્લા બે સપ્તાહમાં નોંધાઈ છે.

ગયા ચોમાસામાં ૧૮૦૭ વૃક્ષ/ ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં હતા. આ વર્ષે એકલા જૂનમાં જ આવી હોનારતોમાં ત્રણ જણાએ જીવ ગુમાવ્યા છે. આ અગાઉ મેમાં આ કારણે બે જણા માર્યા ગયા હતા.

મુંબઈ મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ ૨૮મી જૂને ૧૦૪ વૃક્ષો/ મોટી ડાળીઓ ધરાશાયી થઈ હતી. આમાંની ૪૪ ઘટના પશ્ચિમનાં ઉપનગરોમાં તો ૩૪ પૂર્વનાં ઉપનગરોમાં નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે ૧૧૧ વધુ વૃક્ષો/ ડાળીઓ ભોંય ભેગા થયાં હતા.

અગાઉ, વાયુ વાવાઝોડાની (મુંબઈના) હવામાન પરની અસરને કારણે અનેક વૃક્ષો જડમૂળથી ઉખડી પડયાં હતાં. ૧૨મી જૂનથી ૧૫મી જૂન સુધીમાં ૩૫૦ વૃક્ષો/ ડાળીઓ તૂટી પડયાનું પાલિકાએ નોંધ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IZClxj
via Latest Gujarati News

Post a Comment

0 Comments