દિલ્હી-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરમાં ત્રણ રાજ્યોની સાથે યોજાવાની શક્યતા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

આગામી ઓક્ટોબર મહિનામાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા આ ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હી અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પણ તેના સાથે જ યોજવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. ચૂંટણી પંચે ત્રણ રાજ્યોની સાથે-સાથે જ દિલ્હી અને જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયને પત્ર લખીને મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટિના ગઠન માટે જણાવ્યું હતું.

ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયોને નિર્દેશ આપ્યા છે જેનું પ્રથમ પગલું ચૂંટણી પ્રશાસન સાથે સંકળાયેલા અધિકારીઓની બદલી અને નિયુક્તિ કહી શકાય. આ ઉપરાંત પાંચેય રાજ્યોને મતદાતાઓની યાદી તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

હરિયાણા અને દિલ્હી બંને રાજ્યોની સરહદો એકબીજા સાથે જોડાયેલી છે અને ચૂંટણી પંચે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે દિલ્હીમાં પણ ચૂંટણી યોજવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે જેથી બંને રાજ્યોની સરહદને બંધ ન કરવી પડે.

જો કે, દિલ્હીમાં ફેબુ્રઆરી, 2015ના રોજ સરકારનું ગઠન થયું હોવાથી દિલ્હીમાં સરકારનો કાર્યકાળ પૂર્ણ થવામાં સાત મહિનાનો સમય બાકી છે. મહારાષ્ટ્રની 288 સદસ્યો ધરાવતી વિધાનસભાનો અંતિમ દિવસ 11 નવેમ્બર છે માટે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવામાં ચાર મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

ચૂંટણી અધિકારીઓને પત્રમાં બંને રાજ્યોની ચૂંટણી 31 ઓક્ટોબર સુધીમાં સંપન્ન કરાવી શકાય તે રીતે તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.  ચૂંટણી પંચ નવેમ્બર મહિના પહેલા હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જ્યારે ફેબુ્રઆરી 2020 સુધીમાં જમ્મુ કાશ્મીર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંપન્ન કરાવવા માંગે છે. 

હરિયાણા, મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનો ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તેના પહેલા ભાજપ-પીડીપીના ગઠબંધનની સરકાર હતી.  ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્ય સચિવ અને સીઈઓને સૂચનાઓ અને સાવચેતીના પગલા લેવા નિર્દેશ આપી દીધા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LEMpOM
via Latest Gujarati News

Post a Comment

0 Comments