બેંગાલુરૂ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
સત્તા માણસ પાસે કેવા કેવા ખેલ કરાવે છે એેની એક ઝલક કર્ણાટકથી આવી હતી. કર્ણાટકના નેતાઓની નિકટ રહેલા એક સૂત્રે જણાવ્યા મુજબ બીએસ યેદીયુરપ્પા મોવડી મંડળને પૂછ્યા વિના આજે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવાના છે અને આજે બપોરે બાર વાગ્યે પોતાનો મુખ્ય પ્રધાન તરીકે સોગંદવિધિ થાય એવી પેરવી કરી રહ્યા હતા.
છેલ્લાં બે ત્રણ સપ્તાહથી કર્ણાટક વિધાનસભામાં જાતજાતના પોલિટિકલ નાટક રજૂ થઇ રહ્યાં હતાં. તાજેતરમાં એચડી કુમાર સ્વામીએ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાની સરકારનું રાજીનામું સોંપી દીધું હતું. ત્યારબાદ યેદીયુરપ્પા મુખ્ય પ્રધાન બનવા ઉતાવળા થઇ ગયા હતા. પાટનગર નવી દિલ્હીએ તેમને થોડી ધીરજ ધરવાનું કહ્યું હતું પરંતુ જાણકાર સૂત્રોએ કરેલો દાવો સાચો હોય તો યેદીયુરપ્પા બળવો કરવાના મૂડમાં હતા.
પોતાના સિવાય બીજું કોઇ મુખ્ય પ્રધાન થાય એ એમને સ્વીકાર્ય નથી. બીજી બાજુ મોવડી મંડળ એવા વિચારમાં છે કે કોઇ નેતા આ રીતે જિદ કરીને ધાર્યું કરાવવાની ચાલ ચાલે તો ખોટો દાખલો બેસી શકે છે અને પક્ષના શિસ્તને હાનિ પહોંચી શકે છે. એટલે મોવડી મંડળે યેદીયુરપ્પાની હિલચાલ પર નરજ રાખવા માંડી હતી.
સદભાગ્યે કર્ણાટકમાં નરેન્દ્ર મોદીના વિશ્વાસુ વજુભાઇ વાળા ગવર્નર છે એટલે મોવડી મંડળને ચિંતા નથી. કર્ણાટક વિધાસભાના સ્પીકરે ગઇ કાલે બે કોંગ્રેસી અને એક અપક્ષ વિધાનસભ્યને અયોગ્ય ઠરાવ્યા હતા. આમ છતાં યેદીયુરપ્પા રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાનપદ મેળવવા ઉતાવળા થઇ ગયા હોવાનું આ જાણકાર સૂત્રોએ કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ZbeIO
via Latest Gujarati News
0 Comments