બર્થ-ડે પાર્ટી કરવા ગયેલા મિત્રોની બાઇકને અકસ્માત : ત્રણના મોત, પાંચ જખમી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.23 જુલાઈ 2019, મંગળવાર

પુમેમાં ગોઝારા અકસ્માતમાં ગત અઠવાડિયે નવ મિત્રના મોત નિપજવાની દુઃખદ ઘટના હજી ભૂલાઇ નથી ત્યાં પુણેમાં ફરી  બાઇક દુર્ઘટનામાં ત્રણ મિત્રને કાળ ભરખી ગયોહતો. આ બનાવમાં પાંચ જણ જખમી થયા હતા.

તેઓ બર્થ-ડે પાર્ટી મનાવવા ગયા હતા પણ એક યુવક માટે જન્મ દિવસ જ તેના મૃત્યુનો દિવસ બની ગયો હતો.

પુણેના તળજાઇ પરિસરમાં રહેતા મિત્રો અનિકેત (ઉ.વ.૨૩), સુશીલ કાંબળે (ઉ.વ.૨૩), સુરેશ (ઉ.વ.૨૪) અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે કરણ, રાકેશ, અમર, ચેતન સહિત પાંચ મિત્રને ઇજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

તેઓ ગઇકાલે રાતે સુશીલના બર્થ-ડેની પાર્ટી કરવા ગયા હતા. પછી ત્રણ બાઇક પર બેસીને શિવાપૂરમાં દર્ગા ખાતે જઇ રહ્યા હતા. પણ  પુણે-સાતારા રોડ પર કોંઢણપુર પાસે ટ્રક ચાલકે ત્રણ બાઇકને અડફેટમાંલીધી હતી. પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સુશીલ કાંબળેની સંબંધી પૂનમે જણાવ્યું હતું કે દર વર્ષે અમે સુશીલના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. અમે ઘરમાં આ બાબતે ચર્ચા પણ કરી હતી. ગઇકાલે અગિયાર વાગ્યે સુશીલે કહ્યું હતું કે તેના મિત્ર આવ્યા છે કેક કાપીને આવું છું. ત્યારબાદ તે ઘરેથી બહાર ગયો હતો. પછી રાતે અંદાજે ૧૨ વાગ્યે સુશીલે તેની માતાને ફોન કરીને શિવાપૂર જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તે સમયે માતાએ તેને રાતે શિવાપૂર જવાની  ના પાડી હતી. પણ સુશીલે થોડીવારમાં ઘરે પાછા આવવાનું અને ચિંતા ન કરવાનું માતાને કહ્યું હતું. જોકે બાદમાં આ યુવક ઘરે પાછો આવી શક્યો નહોતો.

અકસ્માતમાં રાતે અંદાજે ૧૨.૩૦ વાગ્યે બર્થ-ડેના દિવસે જ તે કાળનો કોળીયો બની ગયો હતો. પુણેમાં ગત અઠવાડિયે પિકનિક મનાવીને પાછી આવી રહેલા મિત્રોની કાર અને ટ્રક ટકરાતા થયેલા  ભીષણ અકસ્માતમાં નવ જણના મોત થયા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GsSbin
via Latest Gujarati News

Post a Comment

0 Comments