રિષભ પંતે થ્રો કરવાની ટેકનિક સુધારવાની જરુરઃફિલ્ડિંગ કોચ


બર્મિંગહામ, તા. 3 જુલાઈ 2019, બુધવાર

ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ એન. શ્રીધરે કહ્યું છે કે, પંતે તેની થ્રો કરવાની ટેકનિકને સુધારવી પડશે. વિકેટકિપર તરીકે તૈયાર થયેલા પંતને ભારતે વર્લ્ડ કપમાં સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન તરીકે રમાડી રહ્યું છે. જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. અત્યાર સુધી સ્પેશિયાલીસ્ટ વિકેટકિપરની ભૂમિકા ભજવતા પંતને ભાગ્યે જ આઉટ ફિલ્ડમાંથી વિકેટકિપર તરફ થ્રો કરવાનો અનુભવ છે, જેના કારણે વર્લ્ડ કપમાં તેને મુશ્કેલી પડી રહી છે.

બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપની મેચ બાદ શ્રીધરે કહ્યું કે, પંત જ્યારે આઉટ ફિલ્ડમાં ફિલ્ડિંગ કરતો હોય છે, ત્યારે તેના અંગે ચિંતા રહે છે. તેણે ફિલ્ડિંગ સુધારવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે. તેણે તેની ટેકનિકને સુધારવી પડશે અને આઉટ ફિલ્ડમાં તેણે વધુ ચપળતા દર્શાવવી પડશે. 

ભારતીય કેપ્ટન કોહલી અને ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ વિકેટકિપરમાંથી ફિલ્ડરની ભૂમિકા ભજવવામાં મુશ્કેલી અનુભવતા પંત માટે ખાસ ફિલ્ડિંગ પોઝિશન પસંદ કરી રાખી છે. શ્રીધરે કહ્યું કે, પંત યોગ્ય સ્થાને ફિલ્ડિંગ ભરે તે જરુરી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણે પાંચ રન બચાવ્યા હતા, તે ટીમ માટે બોનસ સમાન હતા. તેણે સારો કેચ પણ ઝીલ્યો હતો. 

દિનેશ કાર્તિકને પંત કરતાં આઉટ ફિલ્ડનો અચ્છો ફિલ્ડર ગણાવતા શ્રીધરે કહ્યું કે, પંત હજુ તૈયાર થઈ રહ્યો છે. જ્યારે કાર્તિક તો બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તે અસરકારક દેખાવ કરી શકે છે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32a0IzS
via Latest Gujarati News

Post a Comment

0 Comments