દેહરાદૂનના જનરલ સ્ટોરમાં ચોરી કર્યા બાદ ચોર પોતાનું આધાર કાર્ડ ભૂલી જતાં પકડાયો


(પીટીઆઈ) દેહરાદૂન, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક ચોર પોતાની સામાન્ય ભૂલના કારણે પકડાઈ ગયો હતો. ગત જૂન મહિનામાં નિરજ નામના ચોરે જનરલ સ્ટોરનું પતરાનું છાપરું કાપીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની જરુરિયાતની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

સબ ઈન્સપેક્ટર લોકેન્દ્ર બહુગુણાએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે અનિલ સેઠી નામની એક વ્યક્તિએ ગત જૂન મહિનામાં પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી કેમેરાની તપાસ બાદ પણ ચોરને ઓળખવામાં સફળતા નહોતી મળી. ત્યાર બાદ તાજેતરમાં દુકાનનું છાપરું સાફ કરતી વખતે અનિલ સેઠીને બહુ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. દુકાનના છાપરા પરથી તેને એક પાકીટ મળી આવ્યું હતું જેમાં એક આધાર કાર્ડ પણ હતું. 

આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક નિરજના ઘરે દરોડો પાડયો હતો જેમાં તે અન્ય સ્થળે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નિરજનું સરનામું મેળવવા માટે પોતાના ખબરીઓને કામે લગાડી દીધા હતા અને આખરે ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી તેને ઝડપી લીધો હતો.

પુછપરછ દરમિયાન નિરજે ૬૫,૦૦૦ રુપિયાના ફોનની ચોરી કરવાના આરોપસર પોતે ૨૦૧૨માં જેલની સજા ભોગવી હોવાનું પણ સ્વીકાર્યું હતું. એક વર્ષ પહેલા માતા-પિતાના નિધન બાદ તે કામ કરવાના બદલે ચોરી કરીને પોતાનું ઘર ચલાવતો હતો અને પોલીસ તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O6m8eg
via Latest Gujarati News

Post a Comment

0 Comments