
(પી.ટી.આઈ.) મુંબઈ, તા.25 જુલાઈ 2019, ગુરુવાર
પાલઘર વિસ્તાર આજે ધરતીકંપના ચાર આંચકાથી ધ્રુજી ઉઠતા લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી ગયા હતા. ભૂકંપને કારણે એક ઘર તૂટી પડવાથી એક શખસનું મૃત્યુ થયું હતું.
પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું. ગઈ મધરાત બાદ ૧.૦૩ કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો અને જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ નોંધાઈ હતી. ૧.૧૫ કલાકે બીજો આંચકો લાગ્યો હતો. જેની તીવ્રતા ૩.૬ માઈલ હતી. દહાણુ અને તલાસરી તાલુકામાં આ આંચકા આવ્યા હતા. ત્યાર પછી તરત જ ૨.૯ અને ૨.૮ની તીવ્રતાવાળા આંચકા અનુભવાયા હતા. આમ મીઠી નિંદરમાં સૂતેલા લોકો ઉપરાઉપરી આંચકા આવતા ગભરાઈને ખુલ્લામાં દોડી ગયા હતા.
દહાણુના વિશ્વલપાડા વિસ્તારમાં એક તૂટી પડતા રિશ્યા મેઘવાલે (૫૫) નામના શખસનું મૃત્યુ થયું હતું, એમ તહેસીલદાર રાહુલ સારંગે જણાવ્યું હતું. ઘર તૂટી પડતા મૃતકની પત્ની જખમી થઈ હતી.
મધરાતથી સવાર સુધીમાં એક પછી એક ચાર આંચકાથી પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી વિસ્તારના અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. નુકસાનીનો અંદાજ મેળવવા માટે મહેસૂલ વિભાગના અધિકારીઓ પાલઘરના આ વિસ્તારોમાં પહોંચી ગયા હતા.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધુંદલવાડી ગામડા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. પાલઘર જિલ્લામાં ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ભૂકંપનો વણથંભ્યો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આમાંના મોટાભાગના ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધુંદલવાડી આસપાસ નોંધાયું હતું.
થોડા સમય પહેલાં તો રોજેરોજ ભૂકંપ આવતા ગ્રામજનોમાં એટલો ફફડાટ વ્યાપ્યો હતો કે રાત્રે ઘરમાં સૂતા ગભરાતા હતા. સરકારે તેમને માટે તંબૂ બાંધી કામચલાઉ આશ્રયસ્થાન ઉભા કરી દીધા હતા. ગામડાની નિશાળોના બાળકોને પણ ખુલ્લામાં બેસાડવામાં આવતા હતા.
પાલઘરના કલેકટર કૈલાસ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. મહેસૂલ ખાતાના સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત ગામડામાં જઈ કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવવાની સૂચના આપવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Rp0PJ
via Latest Gujarati News
0 Comments